મોટા પાંચ દેવડામાં બાળકીનું પાણીમાં, દરેડમાં વીજશોકથી સગીરનું મોત
કાલાવડના મોટા પાંચ દેવડા ગામે વાડી વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારની માસુમ બાળકીનું પાણી ભરેલા હોજમાં ડૂબી જવાથી મૃત્યુ નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બનાવ અંગે સ્થાનિક પોલીસે જાણ થતાં તપાસ આરંભી છે.પ્રાપ્ત વિગત મુજબ કાલાવડના મોટા પાંચ દેવડા ગામે રહેતાં પ્રવીણભાઈ દેવાભાઈ નાયક નામના આદિવાસી યુવાનની સાત વર્ષની દીકરી કાજલ રમતાં રમતાં વાડીએ આવેલ પાણીના હોજમાં પડી જતા અને વધુ પડતું પાણી પી જતાં તેણીને તાકિદે કાલાવડની સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવાઈ હતી. જ્યાં ફરજ પરના ડોકટરે તપાસી બાળકીને મૃત જાહેર કરી હતી. પ્રવીણભાઈ નાયક દ્વારા બનાવ અંગે કાલાવડ (ગ્રામ્ય) પોલીસમાં જાણ કરાતા એએસઆઈ જી. આઈ. જેઠવા વધુ તપાસ ચલાવી રહયા છે.
ઇલેક્ટ્રીક શોકથી સગીરનું મોત
જામનગરના દરેડ વિસ્તારમાં રહેતાં પરપ્રાંતિય સગીરનું વીજ કરન્ટ લાગવાથી મૃત્યુ નિપજતાં પરિવારમાં કરૂૂણ આક્રંદ છવાઈ ગયો છે. બીજી તરફ પંચ બી પોલીસમાં મૃતકના પિતા દ્વારા જાણ કરાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ જામનગરના દરેડથી દડિયા ગામ જવાના પુલ પાસે ઉત્તર પ્રદેશનો કપિલ વિવેકભાઈ નામનો પંદર વર્ષનો સગીર રહેતો હોય, દરમ્યાન તેણે પોતાના પિતાનો મોબાઈલ દરેડ વિસ્તારમાં આવેલ રાધે પાનની દુકાનમાં ચાર્જિંગમાં રાખ્યો હોય, બાદ મોબાઈલ ફોન કાઢી બાજુમાં ઉભો હતો ત્યારે લોખંડના ચાલુ વીજપોલમાંથી ઈલેકટ્રીક પ્રવાહ લીક થતાં તેને જોરદાર કરન્ટ લાગતા મૃત્યુ નિપજયું હતું. આ બનાવ અંગે મૃતકના પિતા વિવેકભાઈ દ્વારા પંચ બી પોલીસ મથકે જાણ કરાતાં હે.કો. એસ. એસ. જાડેજા આગળની તપાસ ચલાવી રહયા છે.
આધેડનું અગાસી પરથી પટકાતા મોત
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા 51 વર્ષ ના આધેડ પોતાના ઘેર અગાસી પરથી એકાએક નીચે પટકાઈ પડ્યા હતા, અને ગંભીર ઇજા થવાથી તેઓનું મૃત્યુ નિપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે જામનગરના નવાગામ (ઘેડ) વિસ્તારમાં વિમલ પાર્કમાં રહેતા સુધીરભાઈ લક્ષ્મણભાઈ મકવાણા નામના 51 વર્ષના આઘેડ કે જેઓ ગત 7મી તારીખે પોતાના ઘરની અગાસી પરથી પગ લપસી જતાં પટકાઈ પડ્યા હતા, અને તેઓને ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેઓનું મૃત્યુ નિપજ્યું હતું.આ બનાવ અંગે મૃતકના પુત્ર ધરમશીભાઈ સુધીરભાઈ મકવાણાએ પોલીસને જાણ કરતાં સિટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.
યુવાન અને પ્રૌઢ પર હુમલો
જામનગર અને ધ્રોલમાં ઝઘડાના બનાવમાં યુવાન અને પ્રૌઢાને મારકૂટ કરાતા બન્ને બનાવ અંગે પોલીસે સ્થળ પર દોડી જઈ ફીરયાદના આધારે આગળની કાર્યવાહી આરંભી હતી.જામનગરના ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતાં નરેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા નામના યુવાનની અગાઉ મુંગણી ગામ ખાતે સગાઈ થઈ ગયા બાદ તુટી ગઈ હોય, જ્યાં અર્જુનસિંહ ઝાલા નામના શખ્સની સગાઈ થઈ હોય, જે બાબતે અર્જુનસિંહ ઝાલા તથા અજાણ્યા એક શખ્સે નરેન્દ્રસિંહ ઝાલા સામે ઝઘડો કરી ફડાકા મારી, છરી બતાવી, જાનથી મારી નાખવાની ધમકી આપતાં તેણે બન્ને શખ્સ સામે સિટી સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ધ્રોલમાં રાધે પાર્ક સોસાયટી ખાતે રહેતા હસીનાબેન અનવરભાઈ શાહમદાર (ઉ.વ.પ8) નામના મહિલા પોતાના રહેણાંક મકાને સુતા હોય, દરમ્યાન તેઓનો જમાઈ મોહસિન કાસમ નામના શખ્સે ત્યાં જઈ ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી ધોકા વડે હુમલો કરી હાથના ભાગે ઈજા પહોંચાડતા હસીનાબેને તેની સામે ધ્રોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.