આંબેડકરનગરમાં નશેડી પતિ છૂટાછેડા નહીં આપતા પત્નીનો આપઘાતનો પ્રયાસ
ગઢિયાનગરમાં વૃદ્ધાએ બીમારીથી કંટાળી એસિડ પીધું
શહેરમાં 80 ફૂટ રોડ ઉપર આવેલા આંબેડકર નગરમાં રહેતા પ્રૌઢાએ નસેડી પતિના ત્રાસથી છુટાછેડાની માંગણી કરી હતી. પરંતુ નશેરી પતિએ છુટાછેડા નહીં આપતા પ્રોઢાએ જવલનશીલ પ્રવાહી પી લીધું હતું. આપઘાતનો પ્રયાસ કરનાર પ્રોઢાને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ 80 ફૂટ રોડ ઉપર આવેલા આંબેડકર નગરમાં રહેતા મનીષાબેન નવીનભાઈ રાઠોડ નામના 45 વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતા ત્યારે રાત્રીના 9 વાગ્યાના અરસામાં જ્વલનશીલ પ્રવાહી પી લીધું હતું. પ્રોઢાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં મનીષાબેન રાઠોડના નવીન રાઠોડ સાથે સાત મહિના પહેલા જ બીજા લગ્ન થયા છે. પતિ દારૂ પી મારકુટ કરતો હોવાથી મનીષાબેન રાઠોડે છુટાછેડાની માંગણી કરી હતી. પરંતુ પતિ નવીન રાઠોડ છુટાછેડા આપતો નહીં હોવાથી મનીષાબેન રાઠોડે જવલનશીલ પ્રવાહી પી લીધું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
બીજા બનાવમાં સંતકબીર રોડ ઉપર આવેલા ગઢિયાનગરમાં રહેતા રાધાબેન મોહનભાઈ સોલંકી નામના 60 વર્ષના વૃદ્ધાએ બિમારીથી કંટાળી એસીડ પી લીધુ હતું. વૃદ્ધાને ઝેરી અસર થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.