48 કલાકમાં દરિયાકાંઠાને ધમરોળી નાખ્યો, હજુ બે દી’ વરસાદની આગાહી
બે દિવસમાં પોરબંદરમાં 24 ઈંચ, કલ્યાણપુરમાં 17, કેશોદમાં 16, દ્વારકા 18, વંથલીમાં 14 ઈંચ પાણી પડી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને મેઘરાજાએ ઘમરોળી નાખ્યો હોય તેમ છેલ્લા 48 કલાકમાં 24 ઈંચ જેટલો ભારે વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા બે દિવસથી પડી રહેલા અનરાધાર વરસાદે પોરબંદરમાં 24 ઈંચ, કલ્યાણપુર 17, કેશોદ 16, દ્વારકા 18, વંથલીમાં 14 ઈંચ પાણી વરસાવી દીધું હતું. ભારે વરસાદના પગલે શહેરોમાં પુરની સ્થિતિ જોવા મળી હતી. ખેતરો પાણીમાં ગરકાવ થઈ જતાં ખેતીના પાકને ભારે નુક્શાનીનો અંદાજ લગાવાઈ રહ્યો છે. બે દિવસ દરમિયાન અનેક રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા બંધ કરવાની સ્થિતિ સર્જાઈ હતી. તેમજ સેંકડો વૃક્ષો અને વિજપોલ ધરાશાઈ થતાં વિજપુરવઠો ખોરવાઈ ગયો હતો.
સૌરાષ્ટ્રમાં છેલ્લ 48 કલાકમાં સૌથી વધુ પોરબંદર પંથકમાં 24 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકી ગયો હતો. જ્યારે કલ્યાણપુરમાં 17, કેશોદમાં 16, દ્વારકા 18, વંથલીમાં 14 ઈંચ, તેમજ ખંભાળિયા 5 ઈંચ, રાણાવાવ 4, મેંદરડા 3॥, કાલાવડ, જૂનાગઢ, માળિયા હાટીના, ઉપલેટા, ભેસાણમાં વધુ 3 ઈંચ પાણી વરસી ગયું હતું. જ્યારે ભાણવડ, જામ કંડોરણા, માણાવદર, અંજાર, માંગરોળ, તાલાલામાં 2 ઈંચ, તેમજ લાલપુર, ભૂજ, સુત્રાપાડા, જામજોધપુર, માળિયા સહિતના વિસ્તારોમાં 1થી 1॥ ઈંચ વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના પગલે સરકાર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ ઉતારી રેસક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે. અનરાધાર વરસાદના કારણે જળાશયોમાં નવા નીરની આવક જોવા મળી છે. અને ખેતીના પાકને જીવંતદાન મળ્યું છે. તો બીજીતરફ નદીઓમાં નદીઓના પુર ખેતરોમાં ઘુસી જતાં ખેતીના પાકને નુક્શાન થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
સૌરાષ્ટ્રમાં આજે અને કાલે રેડ એલર્ટ
સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અરબી સમુદ્રમાં વાદળોની જમાવટ સાથે સાયક્લોનીક સર્ક્યુલેશન સર્જાયુ છે. આ ઉપરાંત ગુજરાતથી કેરલ વચ્ચે ટ્રોપ જારી હોવાથી ભારે વરસાદના સંજોગો હજુ પણ યથાવત હોવાથી આજે અને આવતી કાલે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે 55થી 65 પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાશે અને દેવભૂમિ દ્વારકા, દીવ, ગીર સોમનાથ, પોરબંદરના દરિયામાં 15 ફૂટ મોજા ઉછળતા રેડએલર્ટ જાહેર કરી આગામી ચાર દિવસ સચરાચર વરસાદ થવાની આગાહી સાથે રેડએલર્ટ જારી કરવામાં આવ્યું છે.
26 રસ્તાઓ બંધ, 21 ગામો અસરગ્રસ્ત
સૌરાષ્ટ્રમાં પડી રહેલા ભારે વરસાદનાપગલે પોરબંદર-જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથના 26 મુખ્યમાર્ગો ઉપર પાણી ફરી વળતા બંધ કરવામાં આવ્યા છે. તેમજ 21થી વધુ ગામો સંપર્ક વિહોણા થઈ જતાં અસરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. તેવી જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થતાં 30થી વધુ કામોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે રેસક્યુ સહિતની કામગીરી શરૂ કરવામાં આવી છે.