રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય: હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં 3 વર્ષનો વધારો
હોમગાર્ડ જવાનોના હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદામાં ત્રણ વર્ષનો વધારો કરવા કર્યો છે. રાજ્ય સરકારે મુંબઇ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953ના નિયમ- 9 માં આ અંગે સુધારો કરવા નિર્ણય લીધો છે. જેને પરિણામે હવે હોમગાર્ડઝ સભ્યોની નિવૃત્તિ વયમર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ થશે.
હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં હોમગાર્ડ્ઝ દળ પોલીસના પૂરક બળ તરીકે ઉત્તમ કામગીરી કરી રહ્યું છે. હોમગાર્ડ્ઝના જવાનો માનદ સેવા આપી ન માત્ર રાત્રિ પેટ્રોલિંગ, ટ્રાફિક નિયંત્રણ અને ચૂંટણી બંદોબસ્તમાં મદદરૂપ થાય છે, પરંતુ ધાર્મિક/મેળા બંદોબસ્ત, વી.આઈ.પી. સુરક્ષા સહિતની દૈનિક ફરજાઓ પણ નિષ્ઠાપૂર્વક નિભાવે છે. હોમગાર્ડ્ઝ દળની સ્થાપના 6 ડિસેમ્બર 1947ના રોજ કરવામાં આવી હતી, અને તેનો મુખ્ય હેતુ પોલીસને પૂરક બળ પૂરૂં પાડવું, કાયદો અને વ્યવસ્થા જાળવવી અને કુદરતી કે માનવસર્જિત આપત્તિ સમયસર મેનેજ કરવી છે.
નવા નિર્ણયથી હોમગાર્ડ્ઝ સભ્યોમાં રાષ્ટ્રસેવા માટેનો ઉત્સાહ વધશે અને તેઓ વધુ ત્રણ વર્ષ સુધી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી શકશે.નિવૃત્તિ વયમર્યાદામાં વધારો તેમના માટે કૌટુંબિક અને સામાજિક જવાબદારીઓ સાથે સરખા સમયમાં રાષ્ટ્રસેવામાં યોગદાન આપવા વધુ અનુકૂળ બની રહેશે.