નવા વિસર્જન કુંડમાં 9 દિવસ દરમિયાન 3,401 ગણપતિ મુર્તિનું વિસર્જન
ફાયર વિભાગની 12 જવાનોની ટીમ કાર્યમાં જોડાઈ
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રતિ વર્ષ મુજબ આ વખતે પણ ગણપતિજીની મૂર્તિઓને વિસર્જિત કરવા માટેના બે મોટા વિસર્જન કુંડ બનાવાયા છે. જે બન્ને વિસર્જનકુંડમાં 9 દિવસ ના ગણપતિ મહોત્સવ દરમિયાન કુલ 3,401 નાની મોટી ગણપતિ ની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા એક વિસર્જનકુંડ જામનગર નજીક રણજીત સાગર રોડ પર સરદાર રિવેરા પાસે તૈયાર કરાયો છે, જ્યારે એક વિસર્જન કુંડ ખોડીયાર કોલોની સમર્પણ હોસ્પિટલ રોડ પર વિશાલ ઇન્ટરનેશનલ હોટલની પાછળના ભાગમાં તૈયાર કરાયો છે. જેમાં 9 દિવસ દરમિયાન ખોડીયાર કોલોની નજીકના વિસર્જન કુંડમાં 1,357 જ્યારે બીજા કુંડમાં 2,044 સહિત કુલ 3,401 મૂર્તિઓને ભારે ભક્તિભાવ પૂર્વક વિસર્જિત કરવામાં આવી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની તંત્ર દ્વારા પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.
જ્યારે જામનગર મહાનગર પાલિકાની પ્રોજેક્ટ પ્લાનિંગ શાખા ના ડેપ્યુટી ઈજનેર રાજીવ જાની ની રાહબરી હેઠળ હિરેન સોલંકી સહિત પાંચ સભ્યોની ટીમ સમગ્ર વ્યવસ્થા નિહાળી રહી છે, ત્યારે ફાયર શાખાના કુલ 12 જવાનોની ટીમ રાઉન્ડ ધ ક્લોક ગણપતિ ની મૂર્તિ ના વિસર્જન કાર્યમાં જોડાઈ છે.