બગસરામાં ગેરકાયદેસર બાંધકામો તોડી પડાયા
બગસરામાં છેલ્લા ઘણા સમયથી તંત્ર દ્વારા જેતપુર રોડ પર થયેલ આડેધડ દબાણ દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવેલ છે જે અન્વયે આજે સખી હોટેલ પર બુલડોઝર ફેરવી દેવાયું હતું.
તેમજ અન્ય 32 દબાણ કરનારાઓને નોટિસ પાઠવી દેવામાં આવેલ છે.પ્રાપ્ત માહિતી અનુસાર બગસરામાં જેતપુર રોડ પર બાયપાસ નજીક આવેલ સખી હોટલના માલિક દ્વારા પોતાને જમીન કાયદેસર કરી આપવા માટે દાદ માગવા માટે દાવો કરેલ હોય. પરંતુ સરકારી જમીન પર દબાણ હોવાથી ત્રણ નોટિસ આપ્યા બાદ આજે તંત્ર. એ કોર્ટ નો હુકમ આવે તે પહેલા ચીફ ઓફિસર દ્વારા સખી હોટલ તેમજ જેતપુર રોડ ઉપર અન્ય હોટલ અને અમુક દબાણ કરેલ જગ્યા પર બુલડોઝર ફેરવી નાખી જમીનને ખુલી કરવામાં આવેલ હતી. અગાઉ માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ જેતપુર રોડ પર દબાણ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવતા તેમના દબાણો પણ ખુલ્લા થયા હતા.
વધુમાં હુડકો વિસ્તારથી ભૂતનાથ મંદિર સુધીના રોડ પર અલગ અલગ રીતે થયેલ દબાણ દૂર કરવા માટે તંત્ર દ્વારા 32 દબાણ કરનારાઓને આજે નોટિસ પાઠવી દેવામાં આવેલ છે. તેમના દ્વારા જાતે દબાણ દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ત્યાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એવું ચીફ ઓફિસર નગરપાલિકા તથા પ્રાંત અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે. આ તકે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દિનેશભાઈ હડિયલદ્વારા જેતપુર રોડ પર રહેલ તમામ દબાણો દૂર કરવા માટે માંગ કરેલ છે.