‘તારે દવા પીને મરી જવું હોય તો મરી જા’ પત્નીના વેણથી પતિએ ઝેરી દવા પીધી
શહેરની ભાગોળે કુવાડવા હાઇવે પર આવેલા સોખડાના પાટીયા પાસે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.. પત્નીને દવા લેવા સાથે આવવાનું કહેતા તેણે ‘તારે દવા પીને મરી જવુ હોય તો મરી જા’ તેમ કહેતા પત્નીના વેણનું માઠુ લાગી આવતા આ પગલું ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.
જાણવા મળતી વિગત મુજબ કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસે સોખડાના પાટીયા નજીક રહેતા વિપુલ ગોપાલભાઇ ચૌહાણ (ઉવ.25)નામના યુવાને આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી કુવાડવા પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં વિપુલ ત્રણ ભાઇ એક બહેનમાં મોટો અને ગાડી ઉતારવાનું કામ કરે છે. તેને સંતાનમાં એક પુત્ર છે. પત્ની એક મહિનાથી બાજુમા રહેતા તેના માવતરે રીસામણે હોય દરમિયાન બે દિવસથી વિપુલને તાવ આવતો હોય જેથી તેણે પત્નીને દવા લેવા સાથે આવવાનું કહેતા પત્નીએ ‘મારે નથી આવવું, તારે દવા પીને મરી જવુ હોય તો મરી જા’ તેમ કહેતા લાગી આવવાથી તેણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હોવાનું જાણવા મળ્યુ છે.