કાયદાનો ભંગ કરશો તો વરઘોડો નીકળશે: હર્ષ સંઘવી
શહેરના પાંડેસરા GIDC વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા યુનિટના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહેલા રાજ્ય ગૃહમંત્રી હર્ષ ભાઈ સંઘવી દ્વારા શહેરમાં આતંક મચાવતા અસામાજિક તત્વો અને ગુનેગારોને સીધી ભાષામાં સમજી જવા ચેતવણી આપી હતી. રાજ્ય ગૃહમંત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શહેરના નાગરિકોને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે અને કાયદાનું ઉલ્લંઘન કરશે તો વરઘોડો તો નીકળશે.લંગડાતા લંગડાતા ન ચાલવું પડે તે માટે કાયદાનું ચુસ્ત રીતે પાલન કરવું પડશે. આવા અસામાજિક તત્વો વિરુદ્ધ સુરત પોલીસ કડક હાથે કાર્યવાહી કરશે.
સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને ગુનાખોરી અટકે તે માટે શહેર પોલીસ દ્વારા સતત પ્રયાસ કરવામાં આવે છે. કેટલીક વખત એવું પણ બને છે કે જે સ્થળ ઉપર ગુનો બન્યો હોય ત્યાં પોલીસને પહોંચવામાં થોડો વિલંબ થઈ જતો હોય છે અને ગુનાના આરોપીને ભાગી છૂટવામાં સફળતા મળી જતી હોય છે. શહેરમાં બનતી ગંભીર ઘટનાઓના ભેદ ઉકેલી કાઢવા સુરત ક્રાઈમ બ્રાન્ચના શિરે પણ મોટી જવાબદારી રહેલી છે. જેથી ક્રાઈમ બ્રાન્ચ બનતી આવી ઘટનાના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી શકે તે માટે રાજ્ય ગૃહમંત્રીના આદેશના પગલે સુરત પોલીસ દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા યુનિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. પાંડેસરા GIDC એસોસિએશનના સહયોગથી GIDC વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ પાંડેસરા યુનિટનું રાજ્ય ગૃહ મંત્રી હર્ષસંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે લોકાર્પણ પ્રસંગે સુરત મેયર દક્ષેશમાં માવાણી, ધારાસભ્યો તેમજ શહેર પોલીસ કમિશનર ઉપરાંત પોલીસના અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વધુમાં રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ઘણી વખત એવું થાય છે કે જે વ્યક્તિને રાખ્યો હોય તે વિશ્વાસઘાત કરે છે. જેથી તાત્કાલિક કારીગરોનું રજીસ્ટ્રેશન કરાવવું જોઈએ. ગુજરાત પોલીસની એપ પર આ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી કલાકો સુધી પોલીસ સ્ટેશનમાં બેસવું ન પડે. હું છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યો છું કે, આ વિસ્તારમાં આરોપીઓને શોધી શોધીને વરઘોડા નીકળી રહ્યા છે. શહેરના ખૂણે ખૂણેથી ટપોરીઓને શોધી શોધી પોલીસ વરઘોડા કાઢી રહી છે. જો તમને લાગે કે કોઈ ખૂણામાં ટપોરી રહી ગયો હોય તો હું ખાતરી આપું છું કે આવા લોકોને તમે પોલીસના વરઘોડામાં જોશો. આવા લોકોને ચૂંટાયેલા પ્રતિનિધિએ ક્યારેય પ્રોત્સાહન આપવું કે બચાવવો ન જોઈએ. આવા લોકો સમાજનું સૌથી મોટું દૂષણ છે. આજે વરઘોડા પણ ખૂબ સારા નીકળે છે. આવા લોકોને ચાલવામાં તો તકલીફ પડવી જ જોઈએ. તલવાર લઈ ન્યુસન્સ કરતા લોકોને એક પગથિયું ચઢવામાં તકલીફ પડે તેને પોલીસ કહેવાય.
વ્યાજખોરો અંગે રાજ્ય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, લોકોએ વ્યાજના ચક્કરમાં ફસાવાની જરૂૂર નથી. સરકારી યોજનાઓનો લાભ લેવો જોઈએ. મોંઘા વ્યાજના ચક્કરમાં ફસાવાની બિલકુલ પણ જરૂૂર નથી. પોલીસ સ્ટેશન આવા લોકો પહોંચશે તો તેઓને જરૂૂર મદદ મળશે. સહકાર મળશે તો નીચે સુધીના લોકોને મદદ પહોંચાડવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજે શહેરના યુવાઓ માટે એક સફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. જે ગુજરાતમાં સૌ પ્રથમ છે. જે યુવાનો ડ્રગ્સના નશામાં ફસાયા હોય તેવા લોકોને વેસુ સ્થિત નાર્કોટિક્સ યુનિટ ખાતે લઈ જવામાં આવશે. જેમાં તબીબો દ્વારા સારવાર આપી યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવશે. જે ડ્રગ્સના બંધાણીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.