કુબલિયાપરામાં ઝઘડી રહેલા દંપતીને જોતા દસ વર્ષના બાળકને યુવાને છરી ઝીંકી
રાજકોટ શહેરમા થોરાળા વિસ્તારમા આવેલા કુબલીયાપરામા ઝઘડી રહેલા દંપતીને જોતા 10 વર્ષના બાળક પર યુવાને છરી વડે હુમલો કરતા ઘવાયેલા બાળકને સારવાર માટે સરકારી હોસ્પિટલમા ખસેડાયો હતો. આ ઘટના અંગે થોરાળા પોલીસ મથકના સ્ટાફે આરોપીને સકંજામા લેવા તજવીજ શરૂ કરી છે.
વધુ વિગતો મુજબ કુબલીયાપરામા રહેતા સંગીતાબેન ચેતનભાઇ દેવીપુજક (ઉ.વ. 30) નામના મહીલાએ પોતાની ફરીયાદમા તેમના ઘર પાસે રહેતા વિશાલ વિક્રમભાઇ સાથરીયાનુ નામ આપતા તેમની સામે ગુનો નોંધવામા આવ્યો હતો. આ અંગે પીએસઆઇ ડી. કે. ધાંધલા તપાસ ચલાવી રહયા છે. સંગીતાબેને ફરીયાદમા જણાવ્યુ હતુ કે તેમના પતિ જુના કપડા વેચવાનો ધંધો કરે છે. તેમજ પોતે ઘરકામ કરે છે. તેમને સંતાનમા બે દિકરા અને પુત્રી છે. ગઇ તા. 24 ના રોજ સાંજના પાંચેક વાગ્યે પુત્ર કૃણાલ (ઉ.વ. 10) ઘરેથી પૈસા લઇ શેરીમા આવેલી નાસ્તાની દુકાને નાસ્તો લેવા ગયો હતો. ત્યારે ત્યા પાડોશમા રહેતા વિશાલભાઇ અને તેમની પત્ની બોલાચાલી કરી એકબીજા સાથે ઝઘડો કરી રહયા હતા ત્યારે કૃણાલે તેમની સામે જોતા વિક્રમ ઉશ્કેરાય ગયો હતો અને તેમણે તુ સામે કેમ જોવે છે કહી ગાળો આપી હતી.
તેની પાસે રહેલી છરી કાઢી કૃણાલને પાછળના ભાગે ડાબી બાજુના પડખામા એક ઘા ઝીકી દીધો હતો. ત્યારે કૃણાલ બુમાબુમ કરતા સંગીતાબેન ત્યા પહોંચી ગયા હતા અને ત્યા પુત્રને લોહી લુહાણ હાલતમા જોઇ રીક્ષામા બેસાડી સારવાર માટે સિવિલ હોસ્પિટલે લઇ ગયા હતા. આ મામલે થોરાળા પોલીસ સ્ટેશનના સ્ટાફે ગુનો નોંધી ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.