જનતાની ઇચ્છા હશે તો હવે ખજૂરભાઇ ચૂંટણી લડશે!
સેવાકાર્યથી લોકપ્રિય બનનાર નીતિન જાનીએ 2027માં ધારાસભા લડવાની ઇચ્છા વ્યકત કરી
જાણીતા સામાજિક કાર્યકર્તા અને કોમેડી કિંગ નીતિન જાની ઉર્ફે ખજુરભાઈએ 2027ની વિધાન સભા ચૂંટણી લડવાની તૈયારી વ્યક્ત કરી છે. નીતીન જાનીએ જણાવ્યું હતું કે ગુજરાતની જનતાની ઈચ્છા હશે તો હું 2027ની ચૂંટણી જરૂૂરથી લડીશ. યુવા જનરેશને રાજકારણમાં આવવું જોઈએ, કારણ કે તેમના મગજમાં અલગ વિચાર ધારા છે અને તેમના વિઝનથી વિકાસના કામો ઝડપથી થઈ શકે છે. તેમણે યુવાઓને આમંત્રણ આપ્યું કે, યુવાઓએ વધુને વધુ રાજકારણમાં આવીને સમાજના કામોને આગળ ધપાવવા જોઈએ.
નીતિન જાની જે ગુજરાતમાં સામાજિક કાર્યો અને યુવા જાગૃતિ માટે જાણીતા છે, તેમણે વાત ચીતમાં કહ્યું કે, યુવાઓના મગજમાં પહેલેથી અલગ વિચારધારા ચાલી આવી છે, પરંતુ તેઓ રાજકારણમાં આવે તો જ તે વિઝનથી સમાજના કામો ઝડપથી થઈ શકે. યુવાઓના પ્રયાસથી વિકાસના કામોને વેગ મળે છે. તેમણે 2027ની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું, ચૂંટણી લડ્યા પછી લોકોના વધુ કામો કરવા છે. જેટલા પણ ગરીબ વર્ગના લોકોના પતરાવાળા મકાનોને પાકા બનાવવાના છે. જેટલી પણ ગૌશાળા પતરા શેડમાં છે, તેને પાકી બનાવવાની છે. આ વાતથી સ્પષ્ટ થાય છે કે નીતિન જાનીનું ધ્યાન ગરીબી નિવારણ અને પશુ કલ્યાણ પર છે.