પુલ દુર્ઘટના બાદ મોરબી પાલિકા સુપરસીડ થાય તો અગ્નિકાંડ મુદ્દે મનપા કેમ નહીં?
શહેરમાં ગેમઝોન અગ્નિકાંડમાં મનપાના પદાધિકારીઓને જ કસુરવાર માની મનપા સુપરસીડ કરવાની શહેર કોંગ્રેસના આગેવાનોએ માંગ સાથે કમિશનરને આવેદન આપ્યું હતું.મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના બાદ જો મોરબી પાલિકા સુપરસીડ થઇ શકતી હોય તો અગ્નિકાંડ કરૂણાંતિકાને ધ્યાને લઇ મનપાને કેમ સુપરસીડ ન કરી શકાય તેવો કોંગી આગેવાનોએ સવાલ ઉઠાવ્યો છે.
શહેરના અગ્નિકાંડને આગામી તા. 25 જુલાઈએ બે મહિના પૂર્ણ થશે છતા મૃતકો-પિડીતોના પરિવારને આજ દિવસ સુધી ન્યાય મળ્યો નથી. હાલ સુધીમાં ફકત અધિકારીઓની બદલી, સસ્પેન્ડ તેમજ ધરપકડ જેવી ધોરણસરની કાર્યવાહીઓ થઈ છે પરંતુ તમામ કાર્યવાહી ફકત અધિકારીઓ અને ઈજનેરો સામે જ થઈ છે. અગ્નિકાંડ માટેની મુખ્ય જવાબદારી તો મ્યુનિસિપલ કોર્પોરેશનની જ થાય આથી સ્પષ્ટ રીતે પદાધિકારીઓ પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જવાબદાર ગણાય જ. અગ્નિકાંડ મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને સુપરસીડ કરવામાં આવે તેવી માંગણી કરાઇ હતી.
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, મહેશ રાજપુત, ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, જશવંતસિંહ ભટ્ટી, ગોપાલ અનડકટ, યુનુસભાઈ જુણેજા, સલીમભાઈ કારીયાણી, મેઘજી રાઠોડ, ધરમ કાંબલિયા, ડી.પી. મકવાણા, કૃષ્ણદત્ત રાવલ, સંજય લાખાણી, વશરામ સાગઠીયા સહિતના સર્વે કોંગ્રેસીઓએ માંગણી કરી છે કે આગામી દિવસોમાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન, શાસક પક્ષના નેતા, શાસક પક્ષના દંડક, તમામ 15 પેટા કમિટિઓના ચેરમેન સહિત શાસક પક્ષ ભાજપના તમામ 68 કોર્પોરેટરો અગ્નિકાંડ મુદે નૈતિક જવાબદારી સ્વીકારીને તાત્કાલીક રાજીનામુ આપે.
મોરબીમાં ઝુલતો પુલ ધરાશાયી થતા અનેકના કરૂૂણ મોત નિપજયા હતા ત્યારે મોરબી નગરપાલિકા સુપરસીડ કરી ભાજપના શાસકોને ઘર ભેગા કરાયા હતા તો રાજકોટમાં અગ્નિકાંડ અને બેફામ ભ્રષ્ટાચાર બદલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને શા માટે સુપરસીડ ન કરી શકાય ? આ મુદે હાઇકોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં કોંગ્રેસની તૈયારી હોવાનું કોંગ્રેસના આગેવાનોએ આવેદનમાં જણાવ્યું છે.