લારી-ગલ્લા હટાવવાનો સરકારે નિર્ણય કર્યો હોય તો સરકાર કોણે બનાવી? ભાજપ સાંસદ ફરી બગડયા
ગાંધીનગરમાં બેસીને અમને ડરાવવાની વાત કરશો નહીં. અમે તમારી જેમ હપ્તા નથી ઉઘરાવતા તેમ કહી ભાજપના ભરૂૂચના સાંસદ મનસુખ વસાવા ઝઘડિયા જીઆઈડીસી દ્વારા લારી-ગલ્લા હટાવવા નોટિસ આપતા જીઆઈડીસી તથા ગાંધીનગરના અધિકારીઓ પર આક્રમક બન્યાં હતાં.
છેલ્લાં કેટલાય સમયથી ભરૂૂચ જિલ્લામાં ઝઘડિયા જીઆઈડીસી કચેરી દ્વારા લારી-ગલ્લાવાળાઓને મૌખિક સૂચનો આપી લારી ગલ્લા હટાવી લેવાનું કહેવાયું હતું. પરંતુ, ચોમાસાના કારણે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ન મળતાં સ્થાનિકોએ લારી-ગલ્લા હટાવ્યા નહતાં. હવે કચેરીએ નોટિસ આપી ગલ્લાઓ હટાવવાનું કહ્યું હતું અને જો આ વખતે લારી-ગલ્લા નહીં હટાવવામાં આવે તો પોલીસ બંધોબસ્ત સાથે તેને દૂર કરવામાં આવશે, તેવું અલ્ટીમેટમ પણ આપ્યું હતું.
ગઈકાલે મોડી સાંજે સાંસદને ફરી મેસેજ મળ્યો હતો કે, ઝઘડિયા જીઆઈડીસી તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે સોમવારે તમામ લારી-ગલ્લા હટાવશે. મેસેજ મળ્યા બાદ સાંસદે પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં તમામ કાર્યકરોને તથા અસરગ્રસ્તોને ઝઘડિયા જીઆઈડીસી ખાતે હાજર રહેવા કહ્યું હતું. જેથી, તંત્રએ ફરી લારી-ગલ્લા હટાવવાનું કામ મોકૂફ રાખ્યું.
આ દરમિયાન સાંસદ વસાવાએ ઉગ્ર વિરોધ સાથે કહ્યું કે, પલારી-ગલ્લા હટાવવાનો નિર્ણય સરકારે કર્યો હોય તો સરકારે કોણે બનાવી? સરકાર આપણે જ બનાવી છે ને! કેટલાક અધિકારીઓ અને ઈન્ડસ્ટ્રીવાળા મોનોપોલી બનાવી આ રીતે સ્થાનિકોને દબાવવાનો પ્રયાસ કરે છે. ઝઘડિયા, અંકલેશ્વર, પાનોલી અને દહેજ જીઆઈડીસીમાં અધિકારીઓનું રાજ ચાલે છે અને તેઓ તઘલઘી નિર્ણય લે છે. કાયદો તો ઈન્ડસ્ટ્રીવાળા હાથમાં લે છે.
સ્થાનિકોના પક્ષમાં વસાવાએ આગળ કહ્યું કે, પલારી-ગલ્લા હટાવવા હોય તો તેમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ. અહીં તમે બિઝનેસ કરવા આવ્યા છો કે સ્થાનિકોને દબાવવા માટે ? અહીંના લોકોનું શોષણ કરશો તો તે ચલાવી નહીં લેવાય. ગાંધીનગરમાં બેઠેલા હુકમ કરે છે, જેથી ગાંધીનગરમાં બેઠેલા લોકોને મેસેજ આપવા માગું છું કે અમને પૂછ્યા વગર કોઈ નિર્ણય કરવો નહીં. ગાંધીનગરમાં બેઠેલા હપ્તાખોરીમાંથી ઊંચા આવતા નથી. ગાંધીનગરમાં બેઠેલા લોકોની જેમ અમે હપ્તા નથી ઉઘરાવતા. પ્રજાના પ્રશ્નો માટે લડીએ છીએ. કોઈપણ પોલિસી બનાવો તો અમને પૂછીને બનાવો. ગાંધીનગરમાં બેસીને અમને ડરાવવાની વાત ના કરશો. ગાંધીનગરમાં બેઠા-બેઠા લોકોની સેવા કરવાની હોય, પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવાના હોય. હેરાન થોડા કરવાના હોય?