એજ્યુકેશનલ ટ્રિબ્યુનલ કલાક-દોઢ કલાક ચાલે તો સરકાર પગાર શેનો ચૂકવે છે?: HC
ગુજરાત એજ્યુકેશન સર્વિસ ટ્રિબ્યુનલમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓના અનેક કેસો લાંબા સમય સુધી અટવાયેલા રહેતા હોવાની ચોંકાવનારી હકીકત હાઇકોર્ટ સમક્ષ એક કેસની સુનાવણીમાં આવી હતી. જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ ગીતાબહેન ગોપીની ખંડપીઠે એજ્યુકેશન ટ્રિબ્યુનલની કામગીરી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારને એવો સણસણતો સવાલ પૂછ્યો હતો કે, શું સરકારને ટ્રિબ્યુનલની આ પ્રકારની કામગીરી વિશે ખબર છે? જો ટ્રિબ્યુનલ એક કલાક માટે જ ચાલતું હોય તો સરકાર શેનો પગાર ચૂકવે છે?થ હાઇકોર્ટની ખંડપીઠે આ મામલે એક અતિ મહત્ત્વપૂર્ણ આદેશ કરતાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના સચિવને સમગ્ર મામલે સ્પષ્ટતા કરતો રિપોર્ટ રજૂ કરવાનો હુકમ કર્યો છે. આ કેસની વધુ સુનાવણી 25મી માર્ચે રાખી છે.
ખંડપીઠે આદેશમાં નોંધ્યું છે કે,આ કેસમાં બંને પક્ષોના એડવોકેટ્સ દ્વારા સંયુક્ત રીતે એમ જણાવવામાં આવ્યું છે કે, સંબંધિત ટ્રિબ્યુનલની કાર્યવાહી નિયમિત સમયસર ચાલતી નથી. એટલું જ નહીં, ટ્રિબ્યુનલમાં સીમિત કલાકો માટે જ કેસો ચાલે છે. લગભગ એકથી દોઢ કલાક માટે જ ટ્રિબ્યુનલની કામગીરી ચાલુ રહે છે. ટ્રિબ્યુનલના પ્રિસાઇડિંગ ઓફિસર 12:00 વાગ્યા પછી જ બેસે છે અને એકથી દોઢ કલાકમાં તેઓ ઊભા પણ થઇ જાય છે.
ખંડપીઠે એમ પણ નોંધ્યું છે કે,ટ્રિબ્યુનલમાં કોઇ CCTV પણ લગાવાયા નથી. તે સિવાય કોઇ પણ પ્રકારની વર્ચ્યુઅલ હિયરિંગ માટેની સુવિધા પણ નથી. અહીં રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરો આવે છે. તેઓ લાંબું અંતર કાપીને અહીં પહોંચે છે અને ટ્રિબ્યુનલની કાર્યવાહી લંબાયા જ કરે છે. અનેક કેસોમાં આ પ્રકારે જ કાર્યવાહી ચાલી રહી છે. પ્રસ્તુત કેસના અરજદારોનું કહેવું છે કે, તેમના કેસનો મામલો અત્યંત ટૂંકો છે અને ઝડપથી નિકાલ થઇ શકે એમ છે, પરંતુ તેમ છતાંય છેલ્લાં દોઢ વર્ષથી કેસ બિનજરૂૂરી રીતે ખેંચાયા કરે છે. આ તબક્કે નોંધવું રહ્યું કે, આ પ્રકરણમાં ટ્રિબ્યુનલની કાર્યવાહીનો અત્યંત ગંભીર મુદ્દો ઉપસ્થિત થયો છે, તેથી આ કોર્ટ શિક્ષણ વિભાગના મુખ્ય સચિવને આદેશ કરે છે કે, તેઓ કોર્ટ સમક્ષ એક રિપોર્ટ રજૂ કરે. જેમાં સ્પષ્ટ કરે કે, ટ્રિબ્યુનલની કાર્યવાહી કઇ રીતે ચાલે છે અને પ્રિસાઇડિંગ અધિકારીની કામની પદ્ધતિ શું છે. ટ્રિબ્યુનલના રજિસ્ટ્રાર પાસેથી એના પ્રિસાઇડિંગ અધિકારીની કામગીરી વિશે હાઇકોર્ટના રજિસ્ટ્રાર તમામ માહિતીઓ મગાવીને કોર્ટ સમક્ષ રજૂ કરે. શિક્ષણ વિભાગના સચિવ અને હાઇકોર્ટના રજિસ્ટ્રારને છૂટ આપવામાં આવે છે કે, તેઓ આ મામલે હિતધારકોના નિવેદનો પણ રેકોર્ડ કરી શકે છે.