મેળામાં ભીડ વધી જાય તો એન્ટ્રી બંધ
એનઆઇડીએમની ટીમે એન્ટ્રી-એક્ઝિટ- સેફટી સહિતની બાબતોનું નિરીક્ષણ કર્યું
રાજકોટના રેસકોર્ષ મેદાનમાં તા.24મીથી શરૂ થનાર પાંચ દિવસના લોકમેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે આજે નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ટેકનીકલ અધિકારીઓની ટીમે સ્થાનિક અધિકારીઓને સાથે રાખી લોકમેળાનાં ગ્રાઉન્ડ અને એન્ટ્રી- એકિઝટ સહીતની વ્યવસ્થાનું નિરિક્ષણ કર્યું હતું. જયારે કલેકટરે ભીડ વધી જાય તો મેળામાં એન્ટ્રી બંધ કરી દેવા સુચના આપી હતી.
આ ટીમના સભ્યોએ લોકમેળામાં એકઠી થનાર ભીડ, ફાયર સેફટીની વ્યવસ્થા કેટલા એન્ટ્રી અને એકિઝટ પોઇન્ટ રાખવામાં આવેલ છે તેમજ ભાગદોડ કે ધક્કામુકી થાય તો શું વ્યવસ્થા કરવામાન આવી છે તે અંગે વિગતો મેળવી હતી અને ટેકનીકલ બાબતોનું નિરિક્ષણ પણ કર્યું હતું. ખાસ કરીને ભીડ નિયંત્રીત કરવ ઉપર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
જો કે, આ ટીમ દ્વારા વિવિધ રાઇડસના ફાઉન્ડેશન માર્ગદર્શન મુજબ ભરવામાં આવ્યા છે કે કેમ? તે અંગે કોઇ નિરિક્ષણ કરાયું નથી. આ માટે અલગ ટીમ દેખરેખ રાખી રહી હોવાનું જણાવાયું હતું.
દરમિયાન લોકમેળા દરમિયાન વધુ પડતી ભીડ એકઠી થઇ જાય તો મેળામાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવશે તેવું જિલ્લા કલેકટરે સ્પષ્ટપણે જણાવ્યું હતું.