જાદર તાલુકો જાહેર ન થાય તો ઇડરમાં વિસાવદરવાળી !
ભાજપના પૂર્વ મંત્રી રમણ વોરાના બાગી તેવર, ભાજપમાં સન્નાટો
ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી રમણલાલ વોરાએ પોતાના જ પક્ષની સરકાર સામે બળવાખોર સૂર અપનાવ્યો છે. ઈડરથી ચૂંટાયેલા વોરાએ જાદર તાલુકાની રચના ન થવાના મુદ્દે પક્ષના જ એક સોશિયલ મીડિયા ગ્રુપમાં ઉશ્કેરણીજનક મેસેજ કરીને ચકચાર જગાવી છે. તેમણે કાર્યકરોને વિસાવદરવાળી કરવાની તૈયારી કરવા જણાવી દીધું છે, જે પક્ષ વિરોધી પ્રવૃત્તિનો સ્પષ્ટ સંકેત આપે છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ મેસેજમાં રમણલાલ વોરા સ્પષ્ટપણે કહે છે કે, તમે તૈયારી શરૂૂ કરો, જાદર તાલુકો જાહેર ન થાય તો ઈડરમાં વિસાવદરવાળી કરવી પડશે. આ સાથે તેમણે કાર્યકરોને જાદર તાલુકાની રચનાનો મુદ્દો ગાંધીનગર સુધી ગુંજવવા પણ આદેશ આપ્યો છે. વોરાએ પક્ષના સ્થાનિક સંગઠન પર પણ નિશાન સાધતા કહ્યું છે કે, ભાજપનું સ્થાનિક સંગઠન પણ આ મુદ્દે કાંઈ કરતું નથી કારણ કે તેમનું પક્ષમાં કાંઇ ઉપજતું નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ઈડરના લોકો જ જાદર તાલુકાની રચના થવા દેતા નથી.
રમણલાલ વોરાએ કાર્યકરોને સ્પષ્ટ સૂચના આપી છે કે, હાલ આપણી પ્રાથમિકતા જાદર તાલુકાની રચના છે. જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી ભાજપ-કોંગ્રેસ કે આપની વાત ન કરશો. જો તાલુકાની રચના ન થાય તો પછી પક્ષની વાત કરશો. આ નિવેદન પક્ષ કરતાં સ્થાનિક મુદ્દાને વધુ મહત્વ આપવાનો અને તેની સિદ્ધિ ન થાય તો પક્ષથી વિમુખ થવાનો સંકેત આપે છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સરકારે 24 સપ્ટેમ્બરે નવા 17 તાલુકાની રચના કરી હતી, પરંતુ જાદર તાલુકાની માગ હોવા છતાં તેની રચના ન થતાં ઈડરમાં લોકોનો રોષ ફાટી નિકળ્યો હતો. આ ઘટના બાદ રમણલાલ વોરાને ત્યાં જઈને ભાજપના 100થી વધુ કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું હતું.