IAS રણજિત કુમારના પત્નીએ પોલીસ ધરપકડથી બચવા આપઘાત કર્યાનો ખુલાસો
સાઉથની ગેંગ સાથે સંડોવણી, ધોરણ-10ની છાત્રાના અપહરણ કેસમાં મદુરાઈ પોલીસ ધરપકડ કરે તે પહેલાં જ જીવનલીલા સંકેલી
ગુજરાત વીજ નિયમન પંચ(જર્ક)ને સેક્રેટરી રણજિતકુમાર અને પત્નિ સૂર્યાબેન વચ્ચે ઘણાં વખતથી ખટરાગ ચાલી રહ્યો છે. રણજિતકુમારના એડવોકેટે આપેલી માહિતી મુજબ, ઘણાં વખતથી સૂર્યાબેન તેમના પિયર તામિલનાડુ-મદુરાઈ રહેવા જતાં રહ્યા હતાં. રણજિતકુમારના પત્નીનું દક્ષિણ ભારતની ગુનેગારો સાથે કનેક્શન રહ્યું છે. અપહરણમાં સૂર્યાબેનની સંડોવણી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ.
મદુરાઈના ચકચારી અપહરણ કેસમાં સૂર્યાબેનનું નામ ખુલ્યુ છે. ધો.10માં ભણતી એક વિદ્યાર્થીનીનું અપહરણ કરી બે કરોડની ખંડણી માંગવામાં આવી હતી જેમાં સૂર્યાબેનની સંડોવણી હોવાનુ પોલીસ તપાસમાં બહાર આવ્યુ હતું. આ કેસમાં સૂર્યાબેન વોન્ટેડ આરોપી હોવાથી મદુરાઈ પોલીસ ટીમ વધુ તપાસ અર્થે ગુજરાત આવવાની હતી.
શનિવારે સવારે સાડા સાત વાગે સૂર્યાબેન રણજિતકુમારના બંગલે પહોંચ્યા હતાં. જોકે, રણજિતકુમારે તેમની પત્નીને ઘરમાં આવવા ઈન્કાર કરી દીધો હતો. એટલુ જ નહીં, ગાંધીનગર ડીએસપી ઉપરાંત મદુરાઈ પોલીસને પણ ફોન કરીને જાણ કરવામાં આવી હતી. આખરે સૂર્યાબેન કોઈ અજાણ્યા સ્થળે જઈને ઝેરી દવા ગટગટાવી હતી. એવી શંકા છે કે, મદુરાઈ પોલીસ રવિવારે સૂર્યાબેનની ધરપકડ કરવા ગાંધીનગર આવવાની હતી. ધરપકડ થાય તે પહેલાં જ સૂર્યાબેને ઝેરી દવા પીને આપધાતનો પ્રયાસ કર્યો હતો.
ઝેરી દવા પીતા સૂર્યાબેનને એમ્બ્યુલન્સમાં ગાંધીનગર સિવિલ લઈ જવાયા હતાં. ઝેરી દવાની ગંભીર અસર થતાં તેમને આઇસીયુમાં દાખલ કરીને સારવાર અપાઈ હતી. દરમિયાન, પોલીસ અધિકારી ઉપરાંત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ પણ સિવિલ પહોંચ્યા હતાં પણ ગંભીર અવસ્થાને પગલે સૂર્યાબેનનું નિવેદન લઈ શકાયુ ન હતું. જોકે, રવિવારે સાડા દસ વાગે સૂર્યાબેનનું સિવિલના બિછાને મૃત્યુ થયુ હતું.