હવે હું ચૂંટણી નહીં લડુ, જનતાએ પોતાની લડાઇ પોતે લડવી જોઇએ : વિક્રમ માડમ
પાંચ વર્ષ કામ પછી પણ જનતા પાંચ મત ન આપે તો કયાં સુધી લડી શકો ? કોંગ્રેસના દિગ્ગજ નેતાનો વલોપાત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર ખાતે યોજાયેલા કોંગ્રેસના પ્રમુખ પદગ્રહણ કાર્યક્રમમાં જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના રાજકારણ સાથે સંકળાયેલા કોંગ્રેસના દિગ્ગજ નેતા વિક્રમ માડમ ઉપસ્થિત રહ્યા હતાં . આ દરમિયાન તેમણે એક મોટું નિવેદન આપ્યું હતું અને આગામી સમયમાં ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી હતી.સૌરાષ્ટ્રના રાજકારણ સાથે સંકળાયેલા કોંગ્રસના દિગ્ગજ નેતા વિક્રમ માડમે કોંગ્રેસના પ્રમુખ પદગ્રહણ કાર્યક્રમમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે, નજનતાને જે સમજવું હોય એ સમજે, હું દેવભૂમિ દ્વારકાની અંદર હવે ચૂંટણી લડવાનો નથી તેમણે આગળ વાત કરતા કહ્યું હતું કે મીડિયાના માધ્યમથી હું કહું છું કે, હવે હું ચૂંટણી નહીં લડું. વિક્રમ માડમ બોલે એજ પ્રતિજ્ઞા. જનતાએ પોતાની લડાઈ પોતે લડવી જોઈએ. ક્યાં સુધી બીજું કોઈ આવીને લડી દેશે. પાંચ વર્ષ કામ કર્યા પછી પણ જનતા ટાણે પાંચ મત ન આપે તો એ જનતા માટે તમે ક્યાં સુધી લડી શકો. જનતા ન સુધરે તો મારે સુધરવું પડે. ને હવે હું સુધરી ગયો છું.
ઉલ્લેખનીય છે કે વિક્રમ માડમ કોંગ્રેસના દિગ્ગજ નેતા છે. તેઓ જામનગર લોકસભા બેઠક પરથી બે ટર્મ સુધી સાંસદ રહી ચુક્યા છે, તેમજ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાલીયા બેઠક પરથી ચૂંટણી જિત્યા હતાં.