હું મોરીશિયસને દુનિયાના સુખના ક્રમાંકમાં ઉન્નતિ કરતું જોવા ઇચ્છુ છું: શ્રી શ્રી રવિશંકર
રીપબ્લિક ઓફ મોરીશિયસના પ્રમુખ અને વડાપ્રધાને શ્રી શ્રી રવિશંકરજીનું કર્યુ સ્વાગત
વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક નેતા ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજી અત્યારે મોરીશિયસની 4 દિવસની સત્તાવાર મુલાકાતે ગયા છે.ત્યાં રીપબ્લિક ઓફ મોરીશિયસના માનનીય પ્રમુખ શ્રી પૃથ્વીરાજસીંગ રૂૂપુન અને વડાપ્રધાન પ્રવિંદ કુમાર જુગ્નૌથે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન સાથેની ગોષ્ઠિ દરમ્યાન ગુરુદેવે વિવિધ વિષયો પર ચર્ચા કરી જેમાં મોરીશિયસની સંસ્કૃતિના સંરક્ષણ અને તેને નશીલા દ્રવ્યોથી મુક્ત બનાવવાની પરિકલ્પનાનો સમાવેશ થાય છે. ગુરુદેવ પ્રમુખને પણ મળ્યા હતા જ્યાં તેમણે વિવિધ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.તેમાં યુવા સશક્તિકરણની અગત્યતા, તનાવમુક્તિ કાર્યક્રમો દ્વારા સંવાદિતામાં વૃધ્ધિ, મોરીશિયસમાં આયુર્વેદની પધ્ધતિઓના પ્રારંભ તથા ત્યાંના કેદીઓ માટેના કાર્યક્રમ ઉપરાંત આર્ટ ઓફ લિવિંગના પ્રવર્તમાન અન્ય કાર્યક્રમો કે જેનો મોટો પ્રભાવ પડ્યો છે તે બાબતોનો સમાવેશ થાય છે. મોરીશિયસમાં કેદીઓ માટેના કાર્યક્રમની અસરકારકતા પ્રતિપાદિત થતાં તે ચાલુ રાખવા એક સમજૂતિ કરાર કરવામાં આવશે.કેદીઓના પુન:સ્થાપન અર્થેનો આ કાર્યક્રમ તેમને ભાવનાત્મક તણાવથી રાહત આપીને હિંસાના ચક્રને નાબૂદ કરે છે અને કેદીઓને સમાજમાં ફરીથી ભળી જવામાં સહાયરૂપ નીવડે છે.
ગુરુદેવે કહ્યું, તેમનામાં ઉત્પન્ન થયેલી અધમ વૃત્તિ તેમને કેદમાં લાવે છે. પરંતુ આધ્યાત્મિકતા તેમનામાંનું શ્રેષ્ઠ અનાચ્છાદિત કરે છે. તેઓ સારા નાગરિકો બને છે અને સમાજમાં સકારાત્મક પ્રદાન કરે છે. તેમની મુલાકાતના પ્રથમ દિવસનો અંત એક જાહેર કાર્યક્રમથી થયો. આ કાર્યક્રમમાં જ્ઞાન,ભજનો અને ધ્યાન કરવામાં આવ્યા હતા. પ્રમુખ, વિરોધ પક્ષના સભ્યો, મુખ્ય સરકારી અધિકારીઓ ઉપરાંત હજારો નાગરિકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. ઉપસ્થિત ઉચ્ચ પદાધિકારીઓમાં રાષ્ટ્રીય વિધાનસભાના અધ્યક્ષ એડ્રીઅન દુવલ, ભારતના હાઈકમિશ્નર નંદિની સિંગલા, મોરીશિયસના પૂર્વ પ્રમુખના ધર્મપત્ની સરોજિની જુગ્નૌથ,વિરોધપક્ષના નેતા અરવિંદ બૂલેલ,વિદેશ પ્રધાન એલાન ગનૂ, પબ્લીક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રધાન બોબી હૂરીરમ, નાગરિક સેવાઓના પ્રધાન અંજીવ રામધાન, સહકારી બાબતોના પ્રધાન નવિન રામયીદ અને સ્વાસ્થ્ય તથા તંદુરસ્તીના પ્રધાન કૈલેશ જગુત્પલનો સમાવેશ થાય છે. તેમની ચાર દિવસની મુલાકાત દરમ્યાન ગુરુદેવ વિવિધ નાગરિક સભાઓમાં ઉદબોધન કરશે. પેઈલીસ, ગુડલેન્ડ્સ અને વુટોન જેવા વિવિધ સ્થળોએ આ સભાઓમાં જ્ઞાનની વાતો, સંગીત અને ભજનો ગુંજશે અને આમ લોકો માટે એક સાત્વિક ઉત્સવનું વાતાવરણ બનશે.