ચૈતર વસાવા માફી માગે તો હું કેસ પાછો ખેંચવા તૈયાર: સંજય વસાવા
સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને સંબોધીને પત્ર લખ્યો
દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ચાલી રહેલા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાએ સોશિયલ મીડિયા પર એક ખુલ્લો પત્ર જાહેર કર્યો છે, જેમાં તેમણે ચૈતર વસાવાની માફીના બદલામાં તેમના વિરુદ્ધનો કેસ પાછો ખેંચવાની તૈયારી બતાવી છે.સંજય વસાવાએ પોતાના પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે- ધારાસભ્ય ચૈતર વસાવાએ મને અને તાલુકા પંચાયત પ્રમુખ ચંપાબેન વસાવા સામે અપશબ્દોનો પ્રયોગ કર્યો હતો.
જો ચૈતર વસાવા આ અંગે ખેદ વ્યક્ત કરે અને જાહેરમાં માફી માગે, તો હું તેમના વિરુદ્ધ કરાયેલા કેસ પાછા ખેંચવા માટે તૈયાર છું. સંજય વસાવાએ આ પ્રસ્તાવ પાછળનું કારણ સમજાવતા કહ્યું કે- અમે બધા એક જ સમાજના લોકો છીએ અને આપસમાં વિખવાદ ટાળવો એ જ સૌથી મહત્ત્વપૂર્ણ છે.સંજય વસાવાએ આ પત્ર સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને સંબોધીને લખ્યો છે, જેના કારણે આ મામલો હવે નવી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
જોકે, આ પત્ર જાહેર થયા બાદ પણ ચૈતર વસાવા તરફથી હજુ સુધી કોઈ અધિકૃત પ્રતિસાદ મળ્યો નથી. ચૈતર વસાવાને કોર્ટથી મોટો ઝાટકો લાગ્યો છે. કોર્ટે ધારાસભ્યની જામીન અરજી નામંજૂર કરી છે. નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફા કાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે.
તાલુકા પંચાયતનાં પ્રમુખ સંજય વસાવા દ્વારા પોલીસ ફરિયાદ કર્યા બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે.