રાજીખુશીથી પગલું ભરું છું મને કોઇ તકલીફ નથી ચીઠ્ઠી લખી બાંધકામ કોન્ટ્રાકટરનો આપઘાત
યુનિ.રોડ વિસ્તારમાં રહેતા બાંધકામ કોન્ટ્રાકટરે નવા રીંગ રોડ પર આવેલા ખુલ્લા પ્લોટમાં પોતાની જાતે કેબલના વાયરથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગેની રાહદારીએ 100ને જાણ કરતા પોલીસ સ્ટાફ દોડી જઈ 108ને બોલાવતા ઈએમટી સહિતનાએ તપાસી પ્રૌઢને મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે મૃતદેહ પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવતા આગળ કાર્યવાહી હાથ ધરી છે.
યુનિ.રોડના રવિ રત્ન પાર્કમાં રહેતા અને બાંધકામ કોન્ટ્રાકટર તરીકે કામ કરતા કાલીદાસ કુરજીભાઈ અધવાણી ઉ.55 નામના પ્રૌઢે સમી સાંજે નવા દોઢસો ફુટ રીંગરોડ પર આવેલા એક ખુલ્લા પ્લોટમાં પોતાની જાતે કેબલના વાયરથી ગળેફાંસો ખાઈ લીધો હતો. થોડીવાર બાદ એક રાહદારી ત્યાંથી પસાર થતા પ્રૌઢને પ્લોટમાં પડેલા જોઈ 100 નંબરમાં પોલીસને જાણ કરતા યુનિ. પોલીસ મથકના એએસઆઈ જે.એલ.બાળા અને રાઈટર અક્ષયભાઈ સહિતનો સ્ટાફ દોડી જઈ 108 બોલાવતા ઈએમટી સહિતનાએ પ્રૌઢને તપાસી મૃત જાહેર કર્યા હતા.
પોલીસે પ્રૌઢની ઓળખ મેળવવા તેના ખિસ્સાની ઝડતી લેતા એક સ્યુસાઈડ નોટ મળી આવેલ હતી. જેમાં રાજી ખુશીથી પગલું ભરું છું, કોઈ જાતની તકલીફ નથી તેમ લખ્યું હતું. પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિ.માં ખસેડયો હતો. પ્રાથમિક તપાસમાં પ્રૌઢને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રીઓ છે જે તમામ બેંગ્લોર ખાતે રહે છે. અહીં દંપતિ રહેતું હતું. કયા કારણોસર પગલું ભર્યું તે જાણવા પોલીસે તપાસ યથાવત રાખી છે.