ક્રિષ્નાપાર્ક વાળા હરિભાઇ પટેલે ભત્રીજાની કંપની બંધ કરવા ધમકાવી મેનેજરને મારમાર્યો
વોટરપાર્કમાં જ આવેલી કંપની બંધ કરવા ત્રણ વખત ધમકાવ્યાની ફરિયાદ
રાજકોટ શહેરના કુવાડવા ગામે રહેતા મૂળ મહારાષ્ટ્રના અને હાલ ક્રિષ્ના વોટર પાર્ક અંદર આવેલ હર્બ એલીમેન્ટસ નેચરોસ્યુટીકલ પ્રા. લી. કંપનીમાં છેલ્લા આશરે પાંચ વર્ષથી મેનેજર તરીકે ફરજ બજાવતા નામકુંદનભાઇ રામદાસ ગાયકવાડ (ઉ.વ.30)ને ક્રિષ્ના વોટરપાર્ક વાળા હરીભાઇ ગોવિંદભાઇ કણસાગરા, નીલેશભાઇ માથુર, ગોપીભાઇ, છગનભાઇ સહિત ચાર શખ્સોએ કંપની બંધ કરી દેવાની ધમકી આપી અને બાદમાં ઢીકા પાટુનો માર મારતા કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કુંદનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,આ કંપનીના માલીક જયભાઈ સુરેશભાઈ કણસાગરા તથા પત્ની કરીશ્માબેન જયભાઈ કણસાગરા છે અને આ કંપનીમાં અમે સૌંદર્ય પ્રસાધનનું ઉત્પાદન કરીએ છીએ.
ગઇ તા.28/02ના રોજ ક્રિષ્ના વોટરપાર્કના રીસેપ્શનના મોબાઈલ ઉપરથી હર્બ એલીમેન્ટસ કંપનીના એડમીન વિભાગમાં કામ કરતા રવીભાઇ ભેસદડીયાને ફોન કરેલ અને તમારી કંપની બંઘ કરી દેજો નહીતર તમારા શેઠ સહીત તમારા તમામ લોકોના સરનામા વિખાઇ જશે તેવી ધમકીઓ આપેલ જેથી આ રવીભાઇએ મને આ બાબતે જાણ કરેલ જેથી મે આ વાત અમારા શેઠ જયભાઇને કહેલ જેથી જયભાઇએ મને કહેલ કે હરીભાઇ મારા મોટાબાપુજી છે અને તે અમારો પરીવાર જ છે.
બાદમાં ગઇ તા.02/03ના સવારના 11.30 વાગ્યાના અરસામાં કંપનીએ હતો ત્યારે હરીભાઇ કણસાગરા તથા બે અજાણ્યા માણસો આવેલ અને આ હરીભાઇએ મને તારો શેઠ કયાં છે તેમ પુછેલ અને આ કંપનીને તાળા મારી દેવા છે અને તારો શેઠ નથી એટલે તું આજ બચી ગયેલ તેમ કહીને ત્યાંથી જતા રહેલ હતા.
બાદ ગઇ તા.06/05ના સાંજના હું કંપનીએ હતો ત્યારે આ હરીભાઈ તથા ગોપીભાઈ તથા કીર્તી એન્જીનીયરીંગ વાળા રમેશભાઈ સેરઠીયા આવેલ હતા અને આ હરીભાઇએ અમારી કંપનીના ઓફીસ સ્ટાફને ભેગો કરેલ અને કંપનીમાં જઈને બધાનો ગેરકાયદેસર વિડીયો ઉતારેલ અને ફોટા પાડેલ અને મને કહેલ કે આ કંપનીના જે ડોકયુમેન્ટ હોય તે મને તા.09/05 સુધીમાં આપી દેજો અને નહીં આપ તો હું કંપનીએ આવીને તાળુ મારી દઇશ અને તેમ કહીને ત્યાંથી જતા રહેલ હતા જે વાતની મે મારા શેઠ જયભાઇ ને વાત કરતા તેને જણાવેલ કે આપણે કાંઇ ફરીયાદ કરવી નથી.
ત્યારબાદ ગઇ તા.05/06ના રોજ સાંજના હું કંપનીએ હતો ત્યારે આ હરીભાઇ, નીલેશભાઇ માથુર, ગોપીભાઈ અને છગનભાઇ વરૂૂ ગેરકાયદેસર આવેલ અને મને કહેલ કે હજી કંપની કેમ બંધ કરી નથી અને હવે કંપની બંઘ કરવી જ પડશે અને મને ધમકાવેલ અને કંપનીના બધા ડોકયુમેન્ટ તથા ભાડા કરાર માંગેલ જેથી ઓફીસમાંથી ડોકયુમેન્ટને બધુ આપેલ અને આ કંપની બંઘ કરી દેજો તેમ કહી બાર જતા હાથાપાઈ કરી મને ઢીકાપાટુનો માર મારેલ અને તેની સાથેના માણસો પણ ગાળા ગાળી કરવા લાગ્યા હતા અને હીરભાઈ મને ગાળો આપેલ અને મને કહેલ કે હવે પછી તુ આ કંપનીમાં દેખાણો તો હુ તને જાનથી મારી નાખીશ તેમ ધમકી મારી જતા રહેલ હતા.ત્યારબાદ અમદાવાદ રહેતા શેઠને જાણ કરી કુવાડવા રોડ પર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
