ભાવનગરમાં પત્નીએ કરેલ કોર્ટ કેસ ચાલુ હોવા છતાં પતિએ બીજી મહિલા સાથે નિકાહ કરી લીધા
ભાવનગરમાં રહેતા મહિલાને તેના પતિ સહિતના સાસરિયાંઓએ ત્રાસ આપી ઘરેથી કાઢી મૂક્યા બાદ સાસરીયા વિરુદ્ધ કોર્ટ કેસ ચાલતો હોવા છતાં મહિલાના પતિએ બીજા નિકાહ કરી લેતા મહિલાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ ભાવનગરના દિપક ચોક, ઓમ શાંતિ ફ્લેટમાં માતા-પિતા સાથે રહેતા લુબ્નાબેન સોહીલભાઈ કુરેશીના નિકાહ 11 વર્ષ પહેલા સોહીલ આજમભાઈ કુરેશી ( રહે. વડવા, માઢીયા ફળી, ભાવનગર ) સાથે થયા હતા.
અને લગ્નના 19 માસ દરમિયાન તેના પતિ સોહિલ, સસરા આઝમભાઈ, સાસુ ફિરદોસાબેન અને નણંદ સાલેહબેન શારીરિક માનસિક ત્રાસ આપી તેનો પતિ અવારનવાર માર મારતો હોય સાસરિયાઓએ તેમને ઘરેથી કાઢી મૂક્યા બાદ લુબ્નાબેને તેના પતિ સહિતના સાસરિયાંઓ વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગેનો કોર્ટ કેસ ચાલુ હોવા છતાં તેના પતિ સોહીલ આજમભાઈ કુરેશી એ તેમના સમાજના હીનાબેન ઉર્ફે લાલી બાબુભાઈ સોલંકી ( રહે. વડવા કાછીયાવાડ ) સાથે નિકાહ કરી લીધા હતા. હાલમાં તેમને બે વર્ષનો પુત્ર પણ છે. કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં સોહિલ ભાઈએ અન્ય મહિલા સાથે નિકાહ કરી લેતા મહિલાએ તેના પતિ સોહિલભાઈ આજમભાઈ કુરેશી, હીનાબેન ઉર્ફે લાલી બાબુભાઈ સોલંકી, નિકાહ પઢાવનાર રમજાનભાઈ કુરેશી અને અન્ય સાક્ષીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા નીલમબાગ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.