પ્રેમલગ્ન બાદ પત્ની સૂતો મૂકી ભાગી જતાં પતિએ ઝેરી દવા પીધી
મેંદરડા પંથકમાં રહેતા યુવકને પ્રેમ લગ્નબાદ પત્ની સુતો મુકીને ભાગી જતાં રાજકોટ રહેતા ભાઈએ યુવકને આશ્ર્વાસન આપવા માટે રાજકોટ બોલાવ્યો હતો. મેંદરડાથી રાજકોટ આવતો યુવાન શાપર પહોંચતા જ ભાંગી પડતા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ મુળ મેંદરડા પંથકનો વતની અને હાલ જૂનાગઢમાં જાંજરડા રોડ પર રહેતા મનીષ રામજીભાઈ રાઠોડ નામનો 24 વર્ષનો યુવાન શાપર-વેરાવળમાં હતો ત્યારે જેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના સ્ટાફે શાપર પોલીસને જાણ કરતા શાપર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક સીવીલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.
પ્રાથમિક પુછપરછમાં મનીષ રાઠોડે એકાદ વર્ષ પહેલા તેના જ પંથકની કોલેજમાં અભ્યાસ કરતી નમ્રતા નામની યુવતિ સાથે આઠ માસ પહેલા પ્રેમ લગ્ન કર્યા હતાં. બે દિવસ પૂર્વે નમ્રતા માવતરે આટો મારવા ગઈ હતી. અને પરત આવ્યા બાદ મનીષ રાઠોડને સુતો મુકી નાશી છુટી હતી.
જે અંગે મનીષ રાઠોડે રાજકોટ રહેતા ભાઈને જાણ કરતા ભાઈએ મનીષ રાઠોડને રાજકોટ બોલાવ્યો હતો. રાજકોટ આવતી વખતે શાપર પહોંચતા જ મનીષ રાઠોડ ભાંગી પડતા ઝેરી દવા પી લીધી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે શાપર પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.