સિંહના મળમાંથી માનવીમાં જોવા મળતા કૃમિ દેખાયા!
નરસિંહ મહેતા યુનિ.ના રીસર્ચ ફેલોએ ગીરના જંગલમાંથી નમૂના એકત્ર કર્યા
ગિરના જંગલમાં વસતા સિંહોમાં માનવીમાં જોવા મળતા કૃમિ મળી આવતા સંશોધકોમાં આશ્ર્ચર્ય ફેલાયું છે
જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ચાલી રહેલા સેન્ટર ફોર એક્સેલન્સમાં કાર્યરત સેજલ વાળા નામનાં સંશોધક ગીરનારમાં વાઇલ્ડ લાઇફ પેરાસાઇકોલોજી પ્રોજેક્ટ હેઠળ સિંહની વિષ્ટા પર કામ કરે છે. સેજલ વાળાને થોડા વખત પહેલાં સિંહની ભીની વિષ્ટાના નમુનામાંથી 3 પ્રકારના કૃમિની જાતિ મળી આવી હતી. જેના હોસ્ટ માનવીમાં જોવા મળતા હોય છે. આ કૃમિનું નામ ટ્રાયક્યુરીઝટ્રાયક્યુરીયા છે. જે ફક્ત માનવીમાંજ જોવા મળે છે. આ કૃમિ માનવીમાંથી કોઇક રીતે સિંહમાં ટ્રાન્સફર થયા હોય તોજ આ શક્ય બને કારણકે, આ પ્રકારના કૃમિ માંસાહારી પ્રાણીઓમાં જોવા મળતા નથી. આ નમુનામાં કૃમિ ઉપરાંત તેના લારવા અને ઇંડા પણ દેખાયા હતા એમ પણ તેમણે જણાવ્યું હતું.
જોકે, આ કૃમિ સિંહના શરીરમાં કેવી રીતે પહોંચ્યા એનો ચોક્કસ તાગ નથી મળ્યો. પણ ગંદુ પાણી પીવાને લીધે આમ થયું હોઇ શકે. આ સિવાય ગાય જે એંઠવાડ ખાય અને તેનું મારણ સિંહ કરે એમાંથી, માખી થકી પણ સિંહના શરીરમાં પહોંચી શકે છે.સિંહની માનવીના વસવાટમાં અવરજવર વધવાને લીધે એક બીજાના શરીરમાં રહેલા સૂક્ષ્મ બેક્ટેરિયા (પેથોજન્સ) નું એકબીજામાં આદાનપ્રદાન થવું સ્વાભાવિક છે. પણ એને લીધે શું અસરો થાય છે એના પર અમારું સેન્ટર કામ કરી રહ્યું છે. આમાં સિંહમાંથી માનવીમાં પેથોજન્સ ટ્રાન્સમીટ થવાની શક્યતા ઘણીજ ઓછી છે. પણ માનવીમાંથી સિંહમાં ટ્રાન્સમીટ થવાની શક્યતા વધુ હોય છે.
એમાં ગુડ બેક્ટેરિયા કેટલા અને બેડ બેક્ટેરિયા કયા એના પર સંશોધન કાર્ય હાલ ચાલી રહ્યું છે. તેમ નિશિથ ધારૈયા, ડાયરેક્ટર, સેન્ટર ફોર એક્સેલન્સે જણાવ્યું હતું.કામધેનું યુનિ.ના આસી. પ્રોફેસર ડો. વિનય કાલરિયાનું કહેવું છે કે, માનવીમાંથી પ્રાણીમાં કે પ્રાણીમાંથી માનવીમાં જે બેક્ટેરિયા અથવા વાયરસ ટ્રાન્સમીટ થાય તેને જુનોટિક ડીસીઝ કહેવાય છે. જે પાલતુ પ્રાણીઓ સિંહનો ખોરાક બને એમાં મુખ્યત્વે ગાય, ભેંસ, શ્વાન, બકરાં, ઘેટાં મુખ્ય હોય છે. આ પ્રાણીઓ માનવી સાથે સતત સંપર્કમાં આવવાથી માઇક્રો ઓર્ગેનિઝન ટ્રાન્સમીટ થાય છે. જેમકે, ગૌવંશ કે શ્વાન માનવ મળના સંપર્કમાં આવે, કચરો અથવા એંઠવાડ ખાય, શ્વાનો માનવીને બચકું ભરે અથવા મચ્છર કરડે તો પણ તે ટ્રાન્સમીટ થાય છે. જોકે, આ રીતે બધાજ રોગ કે ઓર્ગેનિઝમ ટ્રાન્સમીટ થાયજ એવું પણ નથી.
વન્યજીવો પર કેટલા સંશોધન શરૂ થયા
ગુજરાતનાં વન્યપ્રાણીઓ ક્યાં સુધી ફેલાયેલા છે?
માનવી સાથે તેનો સંપર્ક કેવા પ્રકારનો છે?
તે માનવી પર હુમલા ક્યારે કરે છે?
માનવી પર સિંહનો હુમલો ન થાય એ માટે શું કરવું જોઇએ?
ચોક્કસ વિસ્તારમાં તેનો ખોરાક શું છે?
તેના આરોગ્ય પર અસર કરતા પરીબળો ક્યા છે?