જૂનાગઢ કલેકટર કચેરીમાં ઘેડના ખેડૂતોનું હલ્લાબોલ
ચાર માગણી સાથે કલેકટરને આપેલું આવેદનપત્ર, વળતર નહીં ચૂકવાય તો આંદોલનની ચીમકી
ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાઈ જતા ઘેડ પંથતમાં ખેડૂતોની હાલત કફોડી બની છે. વારંવાર પાક નિષ્ફળ જતા હવે ખેડૂતો કેટલીક માંગ સાથે જૂનાગઢ કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાની આગેવાનીમાં ખેડૂતોએ 4 માંગો સાથે કલેક્ટરને રજુઆત કરી છે.
જો આ માંગો પુરી નહીં થાય તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.જુનાગઢ જિલ્લાના 4 અને પોરબંદર જિલ્લાના 1 એમ કુલ પાંચ તાલુકાના 65 થી 70 ગામોના અંદાજે 2 લાખ 50 હજાર લોકો અને 1 લાખ હેકટર ખેતી લાયક જમીન ધરાવતો ઘેડ પંથક વરસાદથી ત્રસ્ત છે. ઘેડમાં ભાદર, વેણુ, ઊબેણ, ઓઝત સાબરી, ટીલોરી, મઘુવંતી અને છિપરાળી નદીઓ નીકળે છે. આ નદીઓ 200 ચોરસ કિલોમીટર વર્ગનું વરસાદી પાણી એકડું કરી ઘેડ પંથક મારફતે સમુદ્રમાં લઈ જાય છે. આ જ નદીઓ ઘેટ માટે આફત બને છે.
ખેડૂતોની માંગ છે કે સરકાર ઘેડ વિકાસ નિગમની રચના કરે. આ સિવાય પાલ આંબલિયા અને ખેડૂતોએ પુરના કાયમી નિરાકરણ માટે યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે. તે સિવાય હાલના વરસાદને કારણે સર્જાયેલી તારાજીના કારણે થયેલા નુકસાન માટે સ્પેશ્યિલ પેકેજની પણ માંગણી કરી છે. ખેડૂતોની એક માંગ ઊબેણ નદીમાં ઠલવાતા કેમિકલને રોકવાની પણ છે. ખેડૂતોએ આ તમામ માંગો સાથે કલેક્ટરને રજુઆત કર છે અને જો માંગણી પુરી નહીં થાય તો આંદોલનની ચિમકી પણ ઉચ્ચારી છે.