ખંભાળિયા જી.આઈ.ડી.સી.માંથી કોલસાનો તોતિંગ જથ્થો ઝડપાયો
ખંભાળિયાના જી.આઈ.ડી.સી. વિસ્તારમાંથી આજરોજ સવારે એલસીબી પોલીસે ખાનગી કંપનીમાંથી લઈને નીકળેલા એક ટ્રકમાં કોલસાનો શંકાસ્પદ મનાતો જથ્થો શક પડતી મિલકત તરીકે કબજે કર્યો છે.આ સમગ્ર પ્રકરણ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના કંચનપુર વિસ્તારમાં આવેલી જી.આઈ.ડી.સી. સ્થિત એક ખાનગી કારખાનામાં એલ.સી.બી. પોલીસે ટ્રકમાં કોલસાનો જથ્થો કબજે કર્યો હતો.
જેમાં જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયા નજીક આવેલી નયારા કંપનીમાંથી કોલસો ભરીને સુત્રાપાડા સ્થિત એક કંપનીમાં પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકો રવાના થઈ હતી. જેમાંથી એક ટ્રક અહીંના કંચનપુર જી.આઈ.ડી.સી. વિસ્તારમાં સ્થિત એક ઇન્ડસ્ટ્રીઝ (કારખાના)માં લઈ જવાયો હતો.
તેમાંથી કિંમતી કોલસાનો જથ્થો કાઢી અને તેના બદલે નજીવી કિંમતનો કોલસાનો જથ્થો ભેળવીને ભેળસેળનું કારસ્તાન થતું હોવાની સંભાવના વચ્ચે ટ્રક ચાલક, માલિક અને કારખાનેદાર દ્વારા કથિત રીતે આગોતરું આયોજન કરી ભેળસેળ કરવાની પ્રવૃત્તિ થતી હોવાની આશંકા વચ્ચે કોલસો અને ટ્રક સહિત કુલ રૂૂ. 37.46 લાખનો મુદ્દામાલ શક પડતી મિલકત તરીકે કબજે કર્યો છે. આ સાથે કોલસાના સેમ્પલ મેળવી, અને એફએસએલ વિભાગને મોકલી, આગળની તપાસ હાથ ધરી છે.