વડોદરાના ફતેગંજ વિસ્તારમાં મહાકાય મગર રોડ ઉપર આવી જતા ફફડાટ
વડોદરાના વ્યસ્ત વિસ્તારોમાંથી એક ફતેગંજ વિસ્તારમાં એક અણધારી ઘટના સર્જાઈ હતી. જ્યારે નરહરિ હોસ્પિટલ નજીકના મુખ્ય માર્ગ પર રાત્રે મહાકાય મગર જોવા મળ્યો હતો. રોડ પર મગર નીકળતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ હતી અને ત્યાં ટોળું ભેગું થઈ ગયું હતું. મગર દેખાતા લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
થોડા સમય માટે વાહનવ્યવહાર અટવાઈ પડ્યો હતો મહાકાય મગરને જોતા નાગરિકોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. સૂચના મળતાની સાથે જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ અને મગરનું રેસ્ક્યુની કામગીરી શરૂૂ કરી હતી.
રાત્રીના સમય અને ટ્રાફિકભર્યા વિસ્તારમાં મગર પકડવાનું કાર્ય મુશ્કેલ હતું. છતાં અનુભવી ટીમે મહાકાય મગરને સાવધાનીપૂર્વક કાબૂમાં લઈને સુરક્ષિત રીતે પકડી લીધો હતો.
વડોદરા શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં મગરો મોટાપાયે વસવાટ કરે છે અને હાલ આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો નોંધાયો છે.
ત્યારે પાણીના વહેન સાથે મગર રોડ પર આવી પહોંચ્યો હોઈ શકે. શહેરના મધ્ય વિસ્તારમાં આવી અણધારી ઘટનાઓ ગંભીર ચિંતા ઉભી કરે છે અને વન વિભાગ હવે આસપાસના વિસ્તારોમાં વધુ ચાંપતો દેખરેખ રાખી રહી છે.