રાહુલ ગાંધીના નિવેદનને લઈને હિન્દુ સંગઠનોમાં ભારે રોષ, અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં તોડફોડ
ગઈ કાલે લોકસભામાં રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ કહ્યા હતા. કે જેના કારણે દેશભરમાં હિન્દુઓની લાગણી દુભાઇ છે. જેનો વિરોધ અમદાવાદમાં પણ જોવા મળ્યો છે. અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે બજરંગદળ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો પહોંચી બબાલ કરી હતી. અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં 20થી 25 લોકોના ટોળાએ તોડફોડ કરી હતી. રાહુલ ગાંધીના ફોટો પર કાળો સ્પ્રે છાંટ્યો હતો તેમજ બેનરો ફાડવામાં આવ્યા હતાં.
કોંગ્રેસ કાર્યાલયમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોએ રોષ સાથે વિરોધ કર્યો હતો. કોંગ્રેસ કાર્યાલયને તાળાબંધી કરી હતી. તેમજ વહેલી સવારે વી.એસ. હોસ્પિટલ પાસે આવેલા GPCC ખાતે વિરોધ કરવા માટે સ્પ્રે અને પોસ્ટર સાથે લોકો પહોંચ્યા હતા. આ બનાવની જાણ થતાં જ કોંગ્રેસના કાર્યકરો કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. ત્યાં ફાટેલા પોસ્ટર અને બેનર હટાવી લેવામાં આવ્યા હતાં. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યાલયએ પહોંચી હતી. બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ પોતાના વક્તવ્યમાં હિન્દુ ધર્મને લઈને પણ કેટલીક વાતો કરી હતી. તેમજ અલ્પસંખ્યકોને લઈને પણ કેટલાક મુદ્દાઓને ટાંક્યા હતા. તેણે આપેલા નિવેદનથી હિન્દુઓમાં રોષ જોવા મળી રહ્યો છે.