For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દવાનો જથ્થો કઈ રીતે પલળ્યો ?, તપાસ માટે આવશે ટીમ

03:59 PM Sep 05, 2024 IST | admin
દવાનો જથ્થો કઈ રીતે પલળ્યો    તપાસ માટે આવશે ટીમ

અખબારી અહેવાલો બાદ ગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશનના એમ.ડી.એ શિક્ષાત્મક કાર્યવાહીના આપ્યા આદેશ

Advertisement

રાજકોટમાં મોરબી રોડ પર આવેલ ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન લી. ના વેર હાઉસમાં પડેલો સરકારી દવાનો લાખો રૂપિયાની કિંમતનો જથ્થો સ્થાનિક અધિકારીઓની ગુનાહિત બેદરકારીના કારણે પલળી ગયાના ગઈકાલે ‘ગુજરાત મિરર’ દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવેલા અહેવાલો બાદ ગુજરાત મેડીકલ સર્વિસીસ કોર્પોરેશન (જીએમએસસીએલ)ના ઉચ્ચ અધિકારીઓ એકશનમાં આવ્યા છે અને આજે કોર્પોરેશનના એમ.ડી.એ એક સ્પષ્ટતા બહાર પાડી આ ઘટના અંગે તપાસ માટે વડી કચેરીમાંથી ટીમ મોકલવામાં આવનાર હોવાનું જણાવ્યું છે તેમજ જવાબદાર કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં ભરવાની જાહેરાત કરી છે. જો કે કોર્પોરેશનમાં એમ.ડી.દ્વારા દવાનો જથ્થો પલળી જતાં થયેલ નુકસાન અંગે અગડમ બગડમ સ્પષ્ટતા કરવામાં આવી છે.

રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ તેમજ રાજકોટ સહિત ત્રણ જિલ્લાના સરકારી દવાખાનાઓમાં સપ્લાય માટે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલ જીએમએસસીએલના વેર હાઉસમાં રાખવામાં આવેલો લાખો રૂપિયાની કિંમતનો દવા તેમજ પી.પી.ઈ. કીટ અને મેડીકલ સાધનો સહિતનો જથ્થો તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે પલળી ગયાના અખબારી અહેવાલો ગઈકાલે પ્રસિધ્ધ થયા બાદ તંત્ર દોડતું થયું હતું અને સાંજે જ તાબડતોબ આ તમામ જથ્થો સલામત સ્થળે લોક એન્ડ કીમાં ખસેડી દેવામાં આવ્યો હતો.

Advertisement

બીજી તરફ આ બાબતે આજે જીએમએસસીએલના મેનેજીંગ ડિરેકટરે પોતાની સહી વગર જાહેર કરેલી સ્પષ્ટતામાં જણાવ્યું છે કે રાજકોટ ખાતેના જીએમએસસીએલના ગોડાઉનમાં સરકારે મોકલેલ દવાઓનો જથ્થો પલળી ગયાના અહેવાલો બાદ આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.

તેમણે જણાવેલ છે કે ડેપો ખાતે ઉપલબ્ધ ફાર્માસીસ સ્કીન ક્રીમનો જથ્થો મોરબી હોસ્પિટલ ખાતે સપ્લાય કરવા માટે સેડમાં મુકવામાં આવેલ હતો. સદર કામગીરી દરમિયાન વરસાદના કારણોસર દવાના બોકસ પલળી ગયેલ હતાં. સ્કીન ક્રીમ તથા પી.પી.ઈ.કીટના પલળી ગયેલા જથ્થાની નિષ્કાળજી બાબતે વડી કચેરી ખાતેથી આ અંગે વધુ જરૂરી તપાસ કરી અહેવાલ રજુ કરવા ટીમ મોકલવામાં આવનાર છે. તેમજ જવાબદાર કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.

મેનેજીંગ ડિરેકટરે કરેલી સ્પષ્ટતમાં વધુમાં જણાવેલ છે કે રાજકોટ વેર હાઉસ ખાતે પલળી ગયેલ દવાઓ તેમજ આઈટમો પૈકી મુખ્યત્વે પીપીઈ કીટનો સમાવેશ થાય છે.
પીપીઈ કીટ પોલિપ્રોપલીનમાંથી બનાવામાં આવે છે. કોવીડ 19ના

સમયગાળા દરમ્યાન થર્ડ વેવ માટે આગોતરા આયોજનના ભાગરૂપે વખતો વખતની ગાઈડલાઈનને ધ્યાને લઈ પીપીઈ કીટના બફર સ્ટોકની ખરીદી કરવામાં આવેલહતી.સદર જથ્થાના સપ્લાય માટે આરોગ્ય સંસ્થાઓને ડેપો ખાતેથી ફાળવણી કરવામાં આવેલ હતી પરંતું તેઓ દ્વારા હાલ જરૂરીયાત ન હોવાનું જણાવેલ જેથી આ જથ્થો ડેપો ખાતે રાખવામાં આવેલ હતો.જીએમએસસીએલ દ્વારા સપ્લાયર કરનાર પેઢીઓને દવાઓના તાજેતરમાં આપવામાં આવેલ ખરીદ આદેશ પૈકીનો જથ્થો ડેપો ખાતે સપ્લાયર કરવામાં આવેલ હતો. ડેપો ખાતે મળેલી દવાઓના સંગ્રહ માટે જગ્યાના કારણોસર પીપીઈ કીટનો જથ્થો બહાર ગેલેરીના ભાગમાં બોકસ કરીને મુકવામાં આવેલ પરંતુ વરસાદના કારણે બોકસ ભીંજાઈ જતાં તુટી જવા પામેલ છે.

પલળી ગયેલા આઉટર બોકસને બદલી અન્ય બોકસમાં જથ્થો તબદીલ કરી અન્ય જગ્યાએ ડેપોમાં સંગ્રહ કરવા ડેપોમેનેજરને સુચના આપવામાં આવી છે. આમ જીએમએસસીએલ દ્વારા કેટલીક અધુરી અને અસ્પષ્ટતાઓ તેમજ ખુલાસાઓ કરી ઘણીખરી હકીકતો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવું આ ખુલાસા પરથી સ્પષ્ટ જણાઈ આવે છે ત્યારે આ ઘટનામાં રાજ્ય સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય તટસ્થ તકરવામાં આવે તો ઘણા ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે.

GMSCLના વેર હાઉસમાં લાલિયાવાડી ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો
રાજકોટમાં મોરબી રોડ પર આવેલા જીએમએસસીએલના વેર હાઉસમાં લાખો રૂપિયાની દવાનો જથ્થો પલળી ગયાની ઘટના મીડિયા દ્વારા જાહેર થતાં આરોગ્ય તંત્ર અને જીએમએસસીએલના ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા છે પરંતુ દવાનો જથ્થો પલળી જવાની ઘટનામાં અનેક પ્રશ્ર્નો અનઉતર રહ્યાં છે. આ દવાનો જથ્થો જન્માષ્ટમીના તહેવારોની રજા દરમ્યાન પડેલા ભારે વરસાદના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલા જથ્થો પલળી ગયો છે કે ગોડાઉનની બહાર રાખવામાં આવેલો જથ્થો પલળો છે ?

તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી હકીકતે સ્થળ ઉપર નજરે જોનાર લોકોના કહેવા મુજબ તહેવારોની રજામાં ગોડાઉનની અંદર પડેલો દવાનો જથ્થો ભારે વરસાદના કારણે પલળી ગયો હતો અને જ્યારે આ અંગે સ્થાનિક અધિકારીઓને જાણ થઈ ત્યારે તાબડતોબ જથ્થો સુકવવા માટે ગોડાઉનની બહાર કાઢવામાં આવ્યો હતો. માત્ર પીપીઈ કીટ જ પલળી ગયાની વાત પણ ગળે ઉતરે તેવી નથી. ગોડાઉનમાં દવાનો અન્ય કિંમતી જથ્થો પણ પલળી ગયાનું કહેવાય છે. જીએમએસસીએલના આ વેર હાઉસમાં દવાના કિંમતી જથ્થાની જાળવણીમાં પણ લાલીયાવાળી ચાલતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે. આ બારામાં ઉચ્ચસ્તરીય તપાસ થવી જરૂરી છે તેવું જાણકારો માની રહ્યાં છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement