સનાતન પાર્કમાં ઈ-બાઈકની બેટરી ફાટતા ઘરમાં આગ
દેશભરમાં ઈલેકટ્રીક વાહનોની માંગ ધીમેધીમે વધી રહી છે. પેટ્રોલ ડીઝલના વધતા ભાવને કારણે લોકો ઈલેકટ્રીક વાહનો તરફ વળ્યા છે. સરકાર પણ ઈલેકટ્રીક વાહનોનો લોકો વધુ ઉપયોગ કરે તે માટે પ્રયત્નો કરી રહી છે. પરંતુ આ ઈલેકટ્રીક વાહનો કેટલા સુરક્ષીત છે ? તે અંગે સવાલ ઉભા થયા છે. અવારનવાર ઈલેકટ્રીક વાહનોમાં બ્લાસ્ટ થવાના સમાચારો સામે આવતાં રહે છે. રાજકોટમાં પણ અગાઉ ઘણીવાર ઈલેકટ્રીક વાહનોમાં આગ લાગતાં ભડભડ સળગી ઉઠયાના બનાવો બન્યા છે ત્યારે આવો જ એક વધુ એક બનાવ સામે આવ્યો છે. શહેરના કોઠારીયા રોડ પર સનાતન પાર્કમાં ઈ-બાઈકની બેટરી ફાટતા આગ ભભુકી ઉઠી હતી. જેમાં ઈ-બાઈક સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું. જ્યારે ઘરમાં પણ આગ પ્રસરતા ઘર વખરી બળી ગઈ હતી.
જાણવા મળતી વિગત મુજબ, શહેરના કોઠારીયા રોડ પર આવેલા સનાતન પાર્કમાં રહેતા પરિવારે તેમનું ઈ-બાઈક રાત્રે 12 વાગ્યાના અરસામાં ચાર્જીંગમાં મુકયું હોય દરમિયાન ઈલેકટ્રીક સ્કુટરમાં બ્લાસ્ટ થતાં આગ ભભુકી ઉઠી હતી પાર્કીંગમાં પડેલા ઈ બાઈકમાં આગ લાગતાં પાર્કીંગમાં પડેલી ઘરવખરી પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી. જાણ થતાં પરિવારજનો અને આસપાસના લોકોએ દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ બુજાવી નાખી હતી. ઈ બાઈક ચાર્જીંગમાં મુકેલું હોય અને અચાનક બેટરીમાં બ્લાસ્ટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. જેના કારણે ઈલેકટ્રીક બાઈક સંપૂર્ણ બળીને ખાક થઈ ગયું હતું. જ્યારે ઘરનું તમામ વાયરીંગ અને ઘર વખરી પણ બળી ગઈ હતી. જો કે સદનશીબે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી.