ગયા વર્ષ કરતા ઇમર્જન્સીના કેસોમાં 10 ટકાનો વધારો
મકરસંક્રાંતે આખો દિવસ ‘108’ દોડતી રહી, મારામારીના 443, પડી જવાના 390 અને દોરીથી અંગો કપાવાના રાજ્યમાં 203 કેસ નોંધાયા
અગાશી પરથી પડી જવાના, દોરાથી ઘાયલ, મારામારી, અકસ્માત સહિતની ઘટનાઓમાં રાજ્યમાં ઇમર્જન્સીના પ000 જેટલા કિસ્સા
ગઇકાલે ઉતરાયણ પર્વ નિમીતે સૌ કોઇએ પતંગ ચગાવી ઉજવણી કરી હતી ત્યારે તંત્ર દ્વારા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી અંગે ઉતરાયણ પર્વ પુર્વે ચેકીંગ કરાયુ હોવા છતા કયાકને કયાક ચાઇનીઝ તેમજ કાચથી પવાયેલી દોરી વડે લોકોને આંખ, કાન, નાક અને ગળા પર ઇજા થવાની ઘટનાઓમા વધારો જોવા મળ્યો હતો. ઉતરાયણ પર્વ નિમીતે ગયા વર્ષ કરતા ચાલુ વર્ષે 29 ટકા વધુ કેસ નોંધાયા હતા જેમા સૌથી વધુ ટ્રોમા વિભાગમા નોંધાયા હતા. ગયા વર્ષે 2024 ની સાલમા ઉતરાયણના દિવસે ઇમરજન્સી કોલ્સ 4477 હતા જે ચાલુ વર્ષે ઉતરાયણ પર 4948 થયા હતા.
દોરીથી ઇજા થવાની ઘટનામા સામાન્ય દિવસ કરતા ઉતરાયણ પર્વના દિવસે 1461.પ4 ટકાનો વધારો જોવા મળ્યો હતો જેમા સામાન્ય દીવસોમા 13 નો આંકડો હોય છે ત્યારે ઉતરાયણ પર્વના દીવસે 203 સુધી આંકડો પહોંચી ગયો હતો તેમજ ધાબા પરથી પડવાની ઘટનામા 390 કોલ 108 ને મળ્યા હતા. તેમજ 443 જેટલી મારામારીની ઘટનાઓ બની હતી. સમગ્ર રાજ્યમાં મકરસંક્રાંતિની જોશભેર ઉજવણી સંપન્ન થઈ છે. ઉત્તરાયણના આ પર્વમાં આકાશમાં પતંગ ચગાવવાના આનંદ ઉલ્લાસના પર્વમાં અકસ્માતોના બનાવોનું પ્રમાણ વધારે રહેતું હોઈ રાજ્ય સરકાર દ્વારા લોકોને ઇમર્જન્સીમાં સેવા મળી રહે તે માટે 108 દ્વારા પહેલેથી જ તૈયારી કરવામાં આવી હતી.
ગઈ કાલે રાજકોટ જિલ્લામાં 296 જેટલા ઇમર્જન્સી કેસ હેન્ડલ કરવામાં આવ્યા હતા, જે સામાન્ય દિવસોની સાપેક્ષે 37 ટકા જેટલા વધારે જોવા મળ્યા હોવાનું પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્યું છે.
જેમાં સૌથી વધુ અકસ્માતમાં છત પરથી પડી જવાના, મારામારીમાં ઈજાગ્રસ્ત થવાના, દોરાથી ઘાયલ થવાના અને વાહન અકસ્માતના બનાવો સામેલ છે. જેમાં રાજકોટમાં 18 જેટલા કિસ્સામાં છત પરથી પડી જવાના, 32 જેટલા કિસ્સામાં દોરીથી ઘાયલ થવાના અને અન્ય અકસ્માતના કિસ્સા વધારે જોવા મળ્યા છે.
ગત રોજ રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત મહાનગર સહીત સમગ્ર રાજ્યમાં 4948 જેટલા કેસ ઓપરેટ કરવામાં આવ્યા હતાં. જેમાં સૌથી વધુ ટ્રોમા (અકસ્માત) ના 1136 અને વાહન અકસ્માતના 1020 સહીત તાવ, હૃદય, ફેફસા, પ્રસુતિ સહિતના કેસમાં ઇમર્જન્સી સારવાર પુરી પાડવામાં 108 મદદરૂૂપ બની છે. ગુજરાતમાં વાસી ઉત્તરાયણનું પણ મહત્વ હોઈ આજના દિવસે પણ 4900 થી વધુ ઇમર્જન્સી કેસની સંભાવના હોવાનું 108 વિભાગ દ્વારા જણાવાયું છે. જેને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સ સંપૂર્ણ સજ્જ છે.
સૌથી વધુ કેસો અમદાવાદમાં, રાજકોટ જિલ્લામાં 37 ટકાનો વધારો
સામાન્ય દિવસો કરતા ઉતરાયણ પર્વના દિવસે 108 મા અમદાવાદ જીલ્લામાથી કુલ 43 ટકા કોલમા વધારો જોવા મળ્યો હતો તેમજ રાજકોટમા 37 ટકા કોલ વધુ થયા હતા જેમા સામાન્ય દિવસોમા અમદાવાદમા 734 કોલ 108 ને મળતા હોય છે ત્યારે ગઇકાલે 1050 જેટલા કોલ 108 ને મળ્યા હતા તેમજ રાજકોટ જીલ્લામા સામાન્ય દિવસોમા 21પ કોલ 108 ને મળતા હોય છે ત્યારે ગઇકાલે તે વધીને 296 પર પહોંચ્યા હતા. તેમજ આણંદ જીલ્લામા સામાન્ય દિવસોમા 94 કોલની સામે ગઇકાલે 119 કોલ 108 મા નોંધાયા હતા ભાવનગર જીલ્લામા 127 કોલની સામે ગઇકાલે 188 કોલ 108 મા નોંધાયા હતા. સૌથી વધુ મહેસાણા જીલ્લામા સામાન્ય દિવસોમા 64 કોલની સામે 110 કોલ એટલે કે 71 ટકા કોલ વધુ ઉતરાયણ પર નોંધાયા હતા.