નવા એરપોર્ટ પાસે સરકારી જમીનમાં ખડકાયેલ હોટેલ-ગેરેજ તોડી પડાયા
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદે દબાણો હટાવવા કલેકટર તંત્ર દ્વારા ઝુંબેશ ચાલુ જ રહી છે અને આજે અમદાવાદ હાઇવે ઉપર નવા એરપોર્ટ પાસે આવલ રામપર (બેટી)માં સરકારી ખરાબાની આશરે બે હજાર ચોરસ મીટર જમીન પરથી કોમર્શિયલ દબાણો હટાવાયા હતા.જિલ્લા કલેકટરની સુચનાથી પ્રાંત અધિકારી તથા મામલતદારની ટીમે સરકારી ખરાબાની જમીનમાંથી હોટેલ તથા ગેરેજનું દબાણ હટાવી બે કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
મળતી વિગતો અનુસાર ગ્રામ્ય પ્રાંત વિમલ ચક્રવતી ની સૂચના મુજબ તાલુકા મામલતદાર ટીમ દ્વારા છેલ્લા કેટલાય સમયથી રાજકોટ નજીક આવેલ રામપરા (બેટી) સરકારી જમીન પર હોટલ તેમજ ગેરેજનું દબાણ કર્યું હોવાનું સામે આવ્યું હતું.
જેમને નોટિસ આપ્યા બાદ પણ દબાણ દૂર ન કરતાં આજે આ દબાણને દૂર કરવામાં આવ્યો હતું. 2000 ચોરસ મીટર જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ જમીનની કુલ કિંમત બે કરોડથી પણ વધુ થવા જાય છે.
આગામી દિવસોમાં પણ જિલ્લામાં સરકારી જમીનો ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવાનું ચાલુ રાખવામાં આવશે.