એર શો પૂરો થયા બાદ ટ્રાફિકજામનો હોરર શો!
રૈયા ગામથી નવા રિંગ રોડ વચ્ચે સિંગલ પટ્ટી રોડના કારણે ટ્રાફિક; અંધાધૂંધી જેવી સ્થિતિ સર્જાઇ
સ્માર્ટ સિટી, ન્યુ રેસકોર્સનું કામ પુરુ પણ એન્ટ્રી પોઇન્ટ્ સમાન રૈયા રોડ ગાડા મારગ જેવો, કોર્પોરેશન તંત્રની આંખે અંધાપો
રાજકોટના રૈયા વિસ્તારમાં આવેલ અટલ સરોવાર પાસે શનિવાર બાદ રવિવારે પણ એર શો યોજાતા રજાના કારણે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા પરંતુ એર શો પુરો થયા બાદ રૈયારોડ અને નવા રિંગરોડ ઉપર ટ્રાફિકનો હોરર શો જોવા મળ્યો હતો. એર શો પુરા થયા બાદ હજારો લોકો ટુ-વ્હિલર અને ફોરવ્હિલર વાહનો લઇને એક સાથે બહાર નિકળતા બંન્ને રોડ ઉપર દોઢેક કલાક સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો અને વૃધ્ધો-બાળકો તથા મહિલાઓ પણ ટ્રાફિકમાં ફસાઇ ગયા હતા.
આટલો મોટો ઓર શો રાજકોટમાં પ્રથમ વખત જ યોજાઇ રહયો હોવાથી વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવી ધારણા અગાઉથી જ હોવા છતા ટ્રાફિક પોલીસની પુરતી વ્યવસ્થા જોવા મળી ન હતી.
આ ઉપરાંત વધુને વધુ લોકો રૈયારોડ થઇ અટલ સરોવર આવ-જા કરી રહ્યા હોવા છતાં કોર્પોરેશન દ્વારા રૈયા ગામથી સ્માર્ટસિટી સુધીનો સિંગલ પટ્ટીનો અને ભાંગેલ-તૂટેલ રોડ વ્યવસ્થિત કરવાની કોઇ દરકાર લેવામાં આવી ન હતી જેના કારણે એર શો પુરો થયા બાદ અટલ સરોવરની રૈયા ગામ સુધી ટ્રાફિક અંધાધૂંધી જોવા મળી હતી. મહાનગરપાલિકાનું તંત્ર અવાર નવાર આવા મોટા આયોજનો કર્યા પહેલા કોઇ આગોતરી વ્યવસ્થા કરતુ ન હોવાથી દરેક કાર્યક્રમમાં આવી અંધાધૂંધી સર્જાય છે જે શાસકો અને અધિકારીઓની નિષ્કાળજી અને બેદરકારીનું પરિણામ છે.
રૈયા ગામની ભાગોળે સ્માર્ટ સિટી અને ન્યુ રેસકોર્ષ બનાવવામાં આવ્યુ છે. પરંતુ આજ સુધી રૈયા ગામથી નવા રિંગરોડને જોડતો સિંગલ પટ્ટીનો રોડ પહોળો કરવામાં આવેલ ન હોવાથી દર રવિવારે અને વાર-તહેવારે અહીં ટ્રાફિકની હાડમારી સર્જાય છે. તેમ છતાં મહાનગરપાલિકાનું તંત્ર ઘડો લેતુ નથી તે બાબત પણ આશ્ર્ચર્યજનક છે. કોર્પોરેશનના સતાધિશો દરેક કાર્યક્રમો વખતે અટલ સરોવરે ફોટા પડાવવા પહોંચી જાય છે અને આ જ સિંગલપટ્ટી રોડ પરથી પસાર થાય છે. છતા તેમની આંખ ખુલતી નથી.