વડોદરા નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત: કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં એક જ પરિવારના 5 લોકોના મોત
હાલ રાજ્યમાં દિવસે ને દિવસે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે વડોદરામાં નેશનલ હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. વડોદરામાં નેશનલ હાઇવે પરથી જઇ રહેલા એક પરિવારની કારને અકસ્માત નડ્યો છે. આ અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. અને આ પાંચ મૃતકોમાં એક વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે.
મળતી વિગતીઓ અનુસાર જાંબુઆનો એક પરિવાર કારમાં વડોદરા નેશનલ હાઇવે પર થઇને તરસાલી તરફ જઇ રહ્યો હતો. આ દરમિયાન કાર રોડની સાઈડમાં ઉભેલા કન્ટેનર પાછળ જોરથી અથડાઇ હતી. આ ઘટનામાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલા, બે પુરુષ અને 1 બાળકનો સમાવેશ થાય છે. જ્યારે 4 વર્ષની અસ્મિતા નામની બાળકીનો આબાદ બચાવ થયો છે.બનાવની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
અકસ્માત સર્જાતા હાઇવે પર ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા હતા. દરમિયાન બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા તેઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા. આ દરમિયાન અકસ્માતની ગંભીરતાને જોતા વડોદરા ફાયર બ્રિગેડને બનાવની જાણ કરવામાં આવી હતી. જેથી મકરપુરા ફાયર બ્રિગેડની ટીમ નિકુંજ આઝાદની સાથે તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી હતી. જ્યાં અલ્ટો કારમાં સવાર એક વર્ષના માસૂમ બાળક સહિત પાંચ લોકોને બહાર કાઢવામાં આવ્યાં હતા. જોકે આ તમામ મૃત હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. કારમાં સવાર ચાર વર્ષની એક બાળકી અસ્મિતાનો આબાદ બચાવ થયો હતો. મૃતક પરિવાર વડોદરાના સયાજીપુરા ગામ પાસે આવેલા સાગર ફિલ્મ સિટીની બાજુમાં માધવનગરમાં રહેતો હતો.