રસ્તે રખડતા ઢોરના કારણે દ્વારકા રોડ પર ભયાનક અકસ્માત, સાતનાં મોત
દ્વારકા બરડીયા નજીક ફર્ન હોટલ પાસે સર્જાયેલા ભયાનક અકસ્માતમાં સાત નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માતનું મુખ્ય કારણ રસ્તે રખડતા ઢોર જણાતું હોવાથી તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. રસ્તે રખડતા ઢોરને કારણે બસ ચાલકે ઢોરને બચાવવા જતા કાબુ ગુમાવતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યો સહિત સાત લોકોના મોત થયા છે. આ ઘટનાએ એક વખત ફરીથી સમાજમાં રસ્તે રખડતા ઢોરની સમસ્યાને ગંભીર બનાવી દીધી છે. દ્વારકા સહિત રાજ્યના અનેક શહેરો અને હાઇવે પર રસ્તે રખડતા ઢોર જોવા મળે છે.
આ ઢોર વાહન ચાલકો માટે જીવના જોખમ સમાન બની ગયા છે. વારંવાર આવા અકસ્માતો સર્જાતા હોવા છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે કોઈ પૂરતા પ્રયાસો કરવામાં આવતા નથી.લોકોમાં રોષ વ્યાપી ગયો છે અને તંત્રની બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. લોકોની માંગ છે કે તંત્રએ આ સમસ્યાને ગંભીરતાથી લઈને તાત્કાલિક પગલાં લે અને રસ્તે રખડતા ઢોરને પાંજરે પુરવાની વ્યવસ્થા કરે.
દ્વારકા નજીક ફર્ન હોટલ પાસે શુક્રવારે સાંજે સર્જાયેલા ભયંકર માર્ગ અકસ્માતમાં સાત લોકોના જીવ ગયા છે, આ અકસ્માતમાં ખાનગી પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ, બે કાર અને એક બાઈક સામેલ હતા. મૃતકોમાં ગાંધીનગરના કલોલ તાલુકાના હેતલબેન ઠાકુર (28 વર્ષ), પ્રિયાંશી ઠાકુર (18 વર્ષ), તાન્યા ઠાકુર (3 વર્ષ), રિયાંશ ઠાકુર (2 વર્ષ) અને વિરેન ઠાકુરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બરડીયાના રહેવાસી 26 વર્ષીય ચિરાગ રાણાભાઇ અને એક અન્ય મહિલાનું પણ મોત નિપજ્યું છે. આ અકસ્માતમાં 14 થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને રાહત કાર્યકર્તાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ દ્વારકા મુલાકાતે હોય તેઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને મંત્રી મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક સહિતનાં અન્ય આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા.