ગૃહમંત્રી હર્ષ સંઘવી બુધવારે રાજકોટમાં
એસ.ટી. વર્કશોપના પેટા ડિવિઝનનું ઉદ્ઘાટન, સરપ્રાઇઝ ચેકિંગ કરશે
ગોંડલ તથા રાજકોટનાં દસેક ગરબાના આયોજનોમાં પણ આપશે હાજરી
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આગામી બુધવારે એક દિવસ રાજકોટના પ્રવાસે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ હર્ષ સંઘવી બુધવારે બપોરે રાજકોટ આવનાર છે અને રાજકોટ ઉપરાંત ગોંડલના પ્રવાસે જનાર હોવાનું જાણવા મળ્યું છે. જો કે, હજુ સતાવાર કાર્યક્રમની રાહ જોવામાં આવી રહી છે.
વિશ્ર્વાસપાત્ર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આગામી બુધવારે બપોરે રાજકોટ આવનાર છે અને એસ.ટી. વર્કશોપ ખાતે બનાવવામાં આવેલા પેટા ડિવિઝનનું ઉદઘાટન તેમના હસ્તે થનાર છે. આ દરમિયાન હર્ષ સંઘવી એસ.ટી.ના કેટલાક વિભાગોમાં તેમજ એસ.ટી. બસોમાં સફાઇ અંગે સરપ્રાઇઝ ચેકિંગ પણ કરે તેવી શક્યતા છે. આ અંગે રાજકોટ એસ.ટી.ના જવાબદાર અધિકારીઓને પુછતા તેમને જણાવ્યું હતુ કે, આવી વાત અમને મળી છે પરંતુ ગૃહ રાજ્યમંત્રીના સત્તાવાર કાર્યક્રમ અંગે હજુ સુધી સરકારમાંથી અમને કોઇ માહિતી મળી નથી.
ભાજપના સુત્રોમાંથી મળતી માહિતી મુજબ, ગૃહ મંત્રી હર્ષ સંઘવી એસ.ટી. વર્કશોપના કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ગોંડલ ખાતે માજી સાંસદ રમેશભાઇ ધડુક આયોજીત ગરબામાં ઉપસ્થિત રહેનાર છે. આ દરમિયાન ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, માજી ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, તાજેતરમાં જેલ મુક્ત થયેલ ગણેશસિંહ જાડેજા તેમજ જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહેનાર હોવાનું જણાવ્યા છે.
ગોંડલનો કાર્યક્રમ પતાવ્યા બાદ ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજકોટના આઠથી નવ જેટલા મોટા રાસોત્સવમાં પણ હાજરી આપનાર હોવાનું જાણવા મળી રહ્યું છે. જો કે, આ અંગે હજુ સુધી રાજકોટ પોલીસ પાસે કોઇ સત્તાવાર કાર્યક્રમ આવ્યો નથી. પરંતુ આવતીકાલ સુધીમાં કાર્યક્રમ આવી જવાની ધારણા છે.
ઉલ્લેખનિય છે કે, નવરાત્રી દરમિયાન છેલ્લા કેટલાક વર્ષોથી મુખ્યમંત્રી અથવા રાજ્યના અન્ય કોઇ મંત્રી રાજકોટના મોટા ગરબાના આયોજનોમાં હાજરી આપવા આવે છે. તે ક્રમ મુજબ આ વર્ષે ગૃહ મંત્રી હર્ષ સંઘવી રાજકોટ આવી રહ્યાનું જણાવ્યા છે.