ખંભાળિયામાં હોળી પર્વની પરંપરાગત ઉજવણી કરાઈ
આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયના પર્વ એવા હુતાસણી પર્વની રવિવારે ખંભાળિયામાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. શહેરના જુદા જુદા વિસ્તારોમાં રવિવારે સાંજે છાણા, લાકડા, વિગેરે જેવી ચીજ વસ્તુઓથી હોળી તૈયાર કરવામાં આવી હતી અને સારા ચોઘડિયામાં હોલિકા પૂજન તેમજ હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.
અત્રે ગાડીત પાડા વિસ્તારમાં આવેલી રજવાડાના સમયની રાવળી હોળી ઉપરાંત સલાયા ગેઈટ, રામનાથ સોસાયટી, બેઠક રોડ - લક્ષ્મીનારાયણ મંદિર, નવાપરા, જોધપુર ગેઈટ વિગેરે સ્થળોએ હોલિકા દહનના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને બહેનોએ ધાણી, દાળિયા, ખજૂર, પતાસા તેમજ શ્રીફળ વડે હોલિકાનું પૂજન અર્ચન કર્યું હતું. અહીં અબાલ - વૃદ્ધ સૌ કોઈએ હોલિકાની પ્રદક્ષિણા કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું. હોળીની જ્વાળાઓ પરથી લોકોએ આગામી ચોમાસાને લગતા અનુમાનો પણ વ્યક્ત કર્યા હતા
સંગીતમય માહોલ વચ્ચે હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા. ખંભાળિયા ઉપરાંત કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે સહિતના જુદા જુદા વિસ્તારોમાં ભવ્ય આયોજનો થયા હતા. જેમાં લોકોએ આસ્થા વ્યક્ત કરી હતી.