નાકરાવાડી ડમ્પિંગ સાઇટ પર હિટાચીના ચાલકે મોબાઇલમાં વાત કરતા શ્રમિકને કચડી નાખ્યો’તો
ઘરેથી ફાકી ખાવા નીકળ્યો ને કાળ ભેંટ્યો હતો: પોલીસે ગુનો નોંધી હિટાચીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ કરી
શહેરની ભાગોળે કુવાડવા રોડ પર આવેલા નાકરાવાડી ગામે મહાનગર પાલિકાની ડમ્પીંગ સાઇટ પર હિટાચી મશીન હેઠળ દબાઇ જતા શ્રમિક યુવાનનું મોત નીપજયું હતું. જે બનાવમાં શ્રમિક મોબાઇલમાં વાત કરતા જતો હતો ત્યારે હિટાચીના ચાલકે કચડી નાખ્યો હતો. આ અંગે પોલીસે હિટાચીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ મુળ દાહોદ પંથકના વતની અને હાલ નાકરવાડી ગામે મહાનગર પાલિકાની ડમ્પીંગ સાઇટ પર મજુરી કામ કરતા કમલેશભાઇ પ્રતાપભાઇ ભુરીયા (ઉ.વ.39) ગત સોમવારે રાત્રે ઓરડી પરથી મોબાઇલમાં વાત કરતા ફાકી ખાવા દુકાને જવાનું કહી નીકળ્યા બાદ પરત ન આવતા શોધખોળ હાથ ધરી હતી.
દરમિયાન બીજા દિવસે સવારે ડમ્પીંગ સાઇટ પરથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. તેના શરીરે ઇજાના નિશાન હોય તપાસ કરતા રાત્રીના સમયે મૃતક મોબાઇલમાં વાત કરતા ચાલીને જતા હતા ત્યારે હિટાચી મશીનના ચાલકે બેફીકરાઇથી ચલાવી કચડી નાખતા તેનું મોત નીપજયાનું ખુલવા પામ્યુ છે.
આ અંગે મૃતકના પત્ની રાજુબેનની ફરીયાદ પરથી પોલીસે હિટાચીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.