રાજકોટ-ચોટીલા હાઇવે પર ‘હિટ એન્ડ રન’: રોડ ઓળંગતી મહિલાનું કાર અડફેટે મોત
અકસ્માત સર્જી ભાગી ગયેલા કારના ચાલકની શોધખોળ
સુરેન્દ્રનગર જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આપાગીગાના ઓટલા સામે રોડ ક્રોસ કરી રહેલ મહિલાને અજાણ્યા કારચાલકે અડફેટે લેતા મહિલાને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું જે અંગે ભોગ બનનાર મહિલાના પતિએ અજાણ્યા કારચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સાયલાના ધાંધલપુર ગામે રહેતા ફરિયાદી મનહરભાઈ મગનભાઈ સતાપરાના પત્નિ ગીતાબેન મોરબી દિકરાના ઘરેથી ધાંધલપુર જઈ રહ્યાં હતાં.
તે દરમ્યાન ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર આપાગીગાના ઓટલા ખાતે દર્શન કરવા અને પ્રસાદી લેવા જઈ રહ્યાં હતાં ત્યારે રોડ ક્રોસ કરતી વખતે ફરિયાદીના પત્નિને અજાણ્યા કારચાલકે અડફેટે લેતા પત્નિને માથાના અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સ્થળ પર જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જી અજાણ્યો કારચાલક નાસી છુટયો હતો જે અંગે ભોગ બનનારના પતિએ અજાણ્યા કારચાલક સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.