For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરધાર નજીક હિટ એન્ડ રન : અજાણી કારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત

04:47 PM Dec 11, 2025 IST | Bhumika
સરધાર નજીક હિટ એન્ડ રન   અજાણી કારની ઠોકરે બાઈક ચાલક યુવાનનું મોત

રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલા સરધાર નજીક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો હતો. સર ગામે રહેતો યુવાન સરધારથી પોતાનું બાઈક લઈ પરત જતો હતો ત્યારે અજાણ્યા કાર ચાલક બાઈકને ઠોકરે લઈ નાસી છુટયો હતો. અકસ્માતમાં ઘવાયેલા યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં તેનું મોત નિપજ્યું હતું. આ બનાવથી પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે અજાણ્યા કાર ચાલકે વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

જાણવા મળતી વિગત મુજબ, સરધારના સર ગામે રહેતો ભાર્ગવ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.22) નામનો યુવાન આજે સવારે કોઈ કામ સબબ બાઈક લઈ સરધાર ગયો હતો. જ્યાંથી પરત પોતાના ગામ જતો હતો ત્યારે સરધાર નજીક પુરપાટ ઝડપે આવતી અજાણી કારના ચાલકે બાઈકને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ અજાણ્યો કાર ચાલક નાસી છુટયો હતો. આ બનાવમાં ભાર્ગવને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા થતાં તાત્કાલીક 108 મારફત સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજી ડેમ પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં મૃતક ભાર્ગવ બે ભાઈ બે બહેનમાં વચેટ અને અપરિણીત હતો તેના પિતા મજુરી કામ કરે છે. મૃતક ભાર્ગવ ગોંડલમાં એકાઉન્ટનું કામ કરતો હતો. યુવાન પુત્રના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઈ જવા પામી છે. આ અંગે પોલીસે અકસ્માત સર્જી નાસી છુટેલા કાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement