માધાપર ચોકડી પાસે ‘હિટ એન્ડ રન’: કારે બાઇકને ઠોકરે લેતા બાળકનું મોત
શહેરમાં જામનગર રોડ પર માધાપર ચોકડી પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. પૂરપાટ કારે પાછળથી બાઇકને ઠોકરે લેતાં ચાર માસના માસૂમ બાળકનું મોત નીપજ્યું હતું. જ્યારે બાળકના માતા-પિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાવને પગલે ગાંધીગ્રામ પોલીસે અકસ્માત બાદ નાસી જનાર કારચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડી લેવા કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જામનગર રોડ પર નવી કોર્ટ પાસે રહેતા અને દૂધસાગર રોડ પર આકાશ સોસાયટીમાં દૂધની ડેરી ચાલવતા દર્શનભાઇ શૈલેશભાઇ બુદ્ધદેવ તેની પત્ની બંસીબેન અને તેનો ચાર માસનો પુત્ર અંશ બાઇક લઈને જતા હતા ત્યારે જામનગર રોડ પર માધાપર બ્રિજ પાસે પાછળથી પૂરપાટ આવતી કારે બાઈકને ઠોકરે લેતા બાળક સહિતને ઈજા થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં ગંભીર રીતે ઘવાયેલા અંશનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસે તપાસ કરતાં ડેરી સંચાલક દર્શનભાઇને સંતાનમાં અંશ એકનો એક હોવાનું જણાવતા પોલીસે દર્શનભાઈની ફરિયાદ પરથી કારચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે.આ મામલે એએસઆઈ સોનલબેન ગોસાઈ તપાસ ચલાવી રહ્યા છે.