ટંકારાના બંગાવડી પાસે હિટ એન્ડ રન: ફાકી ખાવા ગયેલા શ્રમિકનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
- પ્રૌઢના બાઈકને અડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત: શ્રમિક પરિવારમાં શોક
મોરબીના પીપળી ગામમાં રહેતા શ્રમિક પ્રૌઢ ફાકી લઈને પરત ફરી રહ્યા હતા. ત્યારે ટંકારાના બગાવડી ગામ પાસે અજાણ્યા વાહન ચાલકે અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢનું મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના પીપળી ગામે રહેતા બહાદુર દિલીપભાઈ વસુનીયા નામના 45 વર્ષના પ્રૌઢ સાંજના સાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઇ લતીપર રોડ ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે બંગાવડી ગામના પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલાકે બહાદુરભાઇ વસુનીયાના બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢને તાત્કાલિક સારવાર માટે મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક બહાદુરભાઈ વસુનિયા મૂળ મધ્યપ્રદેશના વતની હતા અને ચાર ભાઈ બે બહેનમાં મોટા હતા બહાદુરભાઈ વસુનીયાને સંતાનમાં ચાર પુત્ર અને ત્રણ પુત્રી છે બહાદુરભાઈ વસુનીયા માવો લેવા ગયા હતા અને માવો લઈને પરત ફરી રહ્યા હતા ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.