બામણબોર પાસે હિટ એન્ડ રન, ચા પીવા નીકળેલા યુવકને કાળ ખેંચી ગયો
રાજકોટ નજીક આવેલા બામણબોરના નવાપરા વિસ્તારમાં રહેતો યુવાન બાઈક લઈને ચા પીવા નિકળ્યો હતો. ચા પીને પરત ફરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામા ગંભીર રીતે ઘવાયેલા યુવકનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના બામણબોર ગામે આવેલા નવાપરા વિસ્તારમાં રહેતો આર્યન નાજાભાઈ જેસાણી નામનો 19 વર્ષનો યુવાન સાંજના સમયે પોતાનું બાઈક લઈને હાઈવે ઉપર ગુંદાળા ગામના પાટિયા પાસે માલધારી હોટલે ચા પીવા ગયો હતો. ચા પીને આર્યન જસાણી ઘરે જવા પરત ફર્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ મોત નિપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન બેભાઈમાં મોટો હતો અને મજુરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હોવાનું જાણવા મળ્યું છે.
બીજા બનાવમાં વંથલીના લુછાળા ગામે રહેતા મેરામભાઈ રામાભાઈ ડાંગર ઉ.વ.50 બે દિવસ પૂર્વે રાત્રીના સમયે પોતાનું બાઈક લઈને ખોખલા ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલ આધેડે રાજકોટ સારવારમાં દમ તોડતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.