પાટડીના નાવીયાણી ગામ પાસે હિટ એન્ડ રનની ઘટના: અજાણ્યા વાહનચાલકે બાઇકને ફંગોળતાં 3 યુવાનોના મોત
સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના નાવીયાણી ગામ પાસે એક ભયંકર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે સગાભાઇ સહિત ત્રણ યુવકોના મોત થયાં છે. નાવીયાણી ગામ નજીક એક પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
ઘટનાની મળતી માહિતી અનુસાર પાટડી તાલુકાના નાવીયાણી ગામ નજીક એક પુરપાટ ઝડપે આવી રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતાં ભયાનક અકસ્માત સર્જાયો હતો. બાઈક પર સવાર ત્રણેય યુવકો ફંગોળાયા હતા અને ગંભીર ઈજાઓ થવાને કારણે ત્રણેયના ઘટનાસ્થળે મોત થયાં હતાં. અકસ્માત સર્જ્યા બાદ વાહન ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતની જાણ થતાં હાઇવે પર લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિકો અને હાઇવે પર ભેગા થયેલા લોકોએ પોલીસ અને 108ને જાણ કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ત્રણેય યુવકોના મૃતદેહને પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.