વડોદરામાં હિટ એન્ડ રનની ઘટના: ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લેતાં એકનું મોત
વડોદરામાં ફરી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાઘોડિયાના માળોધર રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા ડમ્પરે માતા-પુત્રીને અડફેટે લીધા હતા. આ હિટ એન્ડ રનની આ ઘટનામાં એકનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાને લઈને વાઘોડિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતની આ ઘટનાના CCTV પણ સામે આવ્યા છે.
વડોદરાના વાઘોડિયા તાલુકામાં માળોધર રોડ પર હિટ એન્ડ રનની ઘટના બની છે. ડમ્પરે એક્ટીવાને અડફેટે લેતા એક્ટિવા સવાર માતા-દીકરી ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં 12 વર્ષીય દીકરી કાવ્યા પટેલનું મોત થયું છે. ડમ્પરચાલક અકસ્માત સર્જી ફરાર થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે આ ઘટના 27, માર્ચના રોજ બની છે, જેમાં શુક્રવારે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.આ ઘટના મામલે મૃતક કાવ્યાના પિતા દુબઇ રહેતા હોય ઘટનાની જાણ કરાઇ છે. હિટ એન્ડ રનના બનાવોની વણઝારો બાદ પણ વાહનોની સ્પીડ ઘટી રહી નથી.