પડધરીમાં હિટ એન્ડ રન: કાર અડફેટે રાહદારી વૃદ્ધનું મોત
પડધરીમાં રહેતા અનેક ગાડી ઉતારવાનું કામ કરતાં વૃધ્ધ કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતાં ત્યારે અજાણ્યા કાર ચાલકે રાહદારી વૃધ્ધને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધનું મોત નિપજતાં પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, પડધરીમાં રહેતા ધીરૂભાઈ ભલાભાઈ સોલંકી નામના 62 વર્ષના વૃધ્ધ રાત્રિનાં આઠેક વાગ્યાના અરસામાં મોવૈયા સર્કલ પાસે ચાલીને જઈ રહ્યાં હતાં ત્યારે અજાણ્યા કાર ચાલકે રાહદારી વૃધ્ધને ઠોકરે ચડાવ્યા હતાં. હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછ મૃતક ધીરૂભાઈ સોલંકી ચાર ભાઈ ચાર બહેનમાં વચેટ હતાં અને તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. ધીરૂભાઈ સોલંકી ગાડી ઉતારવાનું કામ કરી ઘરે જતાં હતાં ત્યારે અકસ્માત નડયો હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં તાલાળા ગીરમાં રહેતા હિતેશભાઈ દામજીભાઈ વાઘેલા (ઉ.50) આઠ દિવસ પૂર્વે સાઈકલ લઈને જતાં હતાં ત્યારે અજાણ્યા બાઈક ચાલકે સાઈકલને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઘવાયેલા આધેડનું સારવારમાં મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.