કુવાડવામાં હિટ એન્ડ રન: રસ્તો ઓળંગતા શ્રમિક યુવકનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
રાજકોટ અમદાવાદ હાઈવે જાણે ગોજારો બન્યો હોય તેમાં અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક ઘટનામાં કુવાડવા પાસે રસ્તો ઓળંગતા શ્રમિક યુવકનું અજાણ્યા વાહનની ઠોકરે મોત નીપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મૂળ રાજસ્થાનના વતની અને હાલ કુવાડવા નજીક આવેલી બોમ્બે સુપર કંપનીમાં કામ કરતા સેરારામ કાનારામ મેઘવાળ નામનો 28 વર્ષનો યુવાન બે દિવસ પૂર્વે રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં કંપનીમાંથી રોડ ક્રોસ કરી સામે દુકાને નાસ્તો લેવા જઈ રહ્યો હતો ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે સેરારામ મેઘવાળને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો હિટ એન્ડ રનની ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા સેરારામ મેઘવાળનું સારવારમાં મોત નિપજતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પ્રાથમિક પૂછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઈમાં મોટો હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને ત્રણ પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.
આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં શાપરમાં ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવેલા અજાણ્યા યુવકે રાજકોટ સારવારમાં દમ તોડતા પોલીસે અજાણ્યા યુવકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે જ્યારે બીજી ઘટનામાં માળીયા મીયાણાના ઘાટીલા પાસે મહેશ ઇલસીંગ નાયકા નામનો 22 વર્ષનો યુવાન ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા તેને મોરબી બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં યુવકનું સારવાર મોત નીપજ્યું હતું ઉપરોક્ત બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.