હિટ એન્ડ રન: બામણબોર નજીક ફિલરમેનનું મોત
રસ્તો ઓળંગતી વખતે અજાણ્યા વાહન ચાલકે યુવકને ઉલાળતા ઘટી ઘટના
બામણબોર નજીક હિટ એન્ડ રનના બનાવમાં બામણબોર રહેતાં અને પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ બામણબોરમાં રહેતાં દિનેશભાઇ વાઘજીભાઇ રોજાસરા (ઉ.વ.40) નામના યુવાન રાતે નવેક વાગ્યે રાજકોટ-અમદાવાદ હાઇવે પર ઓપ્પો પૂજારાના હોર્ડિંગ નજીક રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે કોઇ અજાણ્યા વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં ગંભીર ઇજા થતાં 108 મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે મૃત્યુ થતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂૂ, તોફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહે જાણ કરતાં એરપોર્ટ પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દિનેશભાઇ જ્યાં બનાવ બન્યો ત્યાં નજીકમાં જ આવેલા પેટ્રોલ પંપમાં ફિલરમેન તરીકે નોકરી કરતાં હતાં. તે રસ્તો ઓળંગી રહ્યા હતાં ત્યારે બનાવ બન્યો હતો. તે ત્રણ બહેન અને બે ભાઇમાં ચોથા હતાં. સંતાનમાં બે પુત્રો છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે. એરપોર્ટ પોલીસે મૃતકના નાના ભાઇ સંજયભાઇની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધવા તજવીજ કરી હતી.