હિટ એન્ડ રન : મોરબીના ઘુંટુ પાસે 6 વર્ષના માસૂમનું અજાણ્યા વાહનની ઠોકરે મોત
વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમા આવી છે. ત્યારે વધુ એક ઘટનામા મોરબીનાં ઘુંટુ ગામ પાસે વાડીએથી ચાલીને જતા 6 વર્ષનાં માસુમ બાળકને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મોરબીનાં ઘુંટુ ગામે રહેતા પરીવારનો પૃથ્વીરાજ જયસુખભાઇ બાવરવા નામનો 6 વર્ષનો માસુમ બાળક સાંજનાં સાડા ચારેક વાગ્યાનાં અરસામા ઘુંટુ રોડ પર કેનાલ પાસે ચાલીને જતો હતો ત્યારે માતેલા સાંઢની માફક ધસી આવેલા અજાણ્યા વાહન ચાલકે રાહદારી માસુમને ઠોકરે ચડાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જી વાહન ચાલક નાસી છુટયો હતો. જયારે ગંભીર રીતે ઘવાયેલા માસુમ બાળકને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો. જયા તેનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો.
પ્રાથમીક પુછપરછમા મૃતક બાળક બે ભાઇ એક બહેનમા નાનો હતો. અને તેનાં પિતા હયાત નથી. દાદાએ વાડી વાવવા રાખી હતી. ત્યાથી ચાલીને ઘરે પરત જતો હતો ત્યારે જીવલેણ અકસ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.