સુપેડીના ઐતિહાસિક મંદિરે ધાર્મિક વિધિ કે ધજા ચડાવવા પર કોઈ પ્રતિબંધ નથી: કલેક્ટર
ધોરાજીના સુપેડી નજીક આવેલ ઐતિહાસીક મુરલીમનોહરના મંદિરમાં ધાર્મિક વિધી કે ધ્વજા ચડાવવા માટે દર્શનાર્થીઓને અટકાવવામાં આવતાં હોવાની જિલ્લા કલેકટર સુધી ફરિયાદો મળતાં આજે કલેકટર પ્રભવ જોષીએ સ્પષ્ટતા કરી હતી કે સુપેડી ઐતિહાસીક મંદિરમાં ધાર્મિક વિધી કે ધ્વજા ચડાવવા પર કોઈ પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી.
રાજકોટ જિલ્લાના ધોરાજી નજીક સુપેડી ગામે નદી કાંઠે આવેલ એક હજાર વર્ષ જુના ઐતિહાસીક મુરલી મનોહરના મંદિરનો થોડા સમય પહેલા જ કલેકટરે કબજો લઈ મંદિરની વ્યવસ્થા કરવા માટે અલગ સમિતિ બનાવી છે. આ સમિતિમાં મામલતદાર, સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય સહિતના લોકોની નિમણૂંક કરવામાં આવી છે.
ઐતિહાસિક મંદિરની જાળવણી થાય તે માટે સરકારે રિનોવેશન માટે 28 લાખ ફાળવ્યા હતા અને તેની કામગીરી પણ શરૂ કરાવી દેવામાં આવી છે ત્યારે મંદિરમાં પોતાનું હિત ધરાવતાં અમુક શખ્સોએ વિરોધ કરી મંદિરે દર્શને આવતાં લોકો અને ધાર્મિક વિધી નહીં કરવા દેતાં હોવાનું તેમજ ધ્વજા પણ નહીં ચડાવવા દેતાં હોવાની ફરિયાદો ઉઠી હતી.આ બાબતે આજે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ સ્પષ્ટતા સાથે જણાવ્યું હતું કે સુપેડી ઐતિહાસીક મંદિર ખાતે કોઈ જ ધાર્મિક વિધી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો નથી તેમજ લોકો ફ્રી ઓફમાં ધ્વજા પણ ચડાવી શકે છે. વધુમાં ઉમેર્યુ હતું કે મંદિરના વિકાસ માટે સરકાર પાસે ગ્રાંટ પણ માંગવામાં આવી છે. ઐતિહાસીક મંદિરે ભોજન શાળા, યજ્ઞ શાળા, શૌચાલય ઉભા કરવામાં આવશે તેમ ઉમેર્યુ હતું.